દરગાહ તોડફોડ પ્રકરણમાં કોંગ્રેસે સહકાર ન આપતા અબડાસા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
અબડાસા : અબડાસા તાલુકામાં ત્રણ દરગાહોને અસામાજિક તત્વોએ નુકશાન કર્યાની ઘટના છેલ્લા ત્રણ મહિનામાં બની છે. જે બાબતે પોલીસ તંત્રએ હજુ સુધી કોઈ ઠોસ પગલા ભર્યા નથી અને ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે. આ ઘટનાને લઈ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરાએ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બાબતે ઇકબાલ મંધરા સાથે વાત કરતા તેમણે રાજીનામું આપવા પાછળનું કારણ ભવાનીપર, મોથારા અને સુથરી દરગાહમાં તોડફોડ પ્રકરણમાં કોંગ્રેસે સહકાર ન આપ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરવા છતા આ પ્રકરણમાં કોંગ્રેસ મૌન રહી છે. તેમજ તેમની રજુઆતોને પણ ધ્યાને લીધી નથી માટે રાજીનામું આપવાની ફરજ પડી છે. કોંગ્રેસ પાર્ટીએ ફકત પ્રજાના મતો લેવા નહીં પણ પ્રજાને થતી પરેશાનીઓમાં આગળ આવવું જોઈએ તેવી ઇકબાલ મંધરાએ પ્રતિક્રિયા આપી છે. આવનારા સમયમાં આ બાબતે અન્ય આગેવાનો રાજીનામાં આપે તેવું સૂત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.