મોથાળા દરગાહ પ્રકરણમાં નલીયા પોલીસ સ્ટેશને વિધિવત ફરિયાદ નોંધાવાઈ
નલીયા : મોથાળા ગામ નજીક આવેલ નુરમામદ શા પીરની દરગાહને નુકસાન પહોંચાડવાનો કીસ્સો ગઈ કાલે પ્રકાશમાં આવ્યો હતો જે બાબતે આજે અબડાસા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ સાલેમામદ આદમ પઢીયાર રહે. નુંધાતણ વાળાએ વિધિવત ફરિયાદ નલીયા પોલીસ સ્ટેશને નોંધાવી હતી. નલીયા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ મોથાળા ગામ નજીક આવેલ નુરમામદશા પીરની દરગાહની ચાદર નંગ 4 તથા ઇસ્લામ ધર્મના પુસ્તકો બહાર લઈ જઈ સળગાવી નાખેલ
તેમજ બીબીમાંની દરગાહ પાછળ દિવાલ પર કોલસાથી બીભત્સ લખાણ લખી કોઈ અજાણ્યા શખ્સોએ ગુનાહિત કૃત્ય આચરેલ હોવાની ફરિયાદ નોંધી આગળની તપાસ નલીયા પોલીસે હાથ ધરેલ છે. આ બાબતે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રા તેમજ અબડાસા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ સાથે મુસ્લિમ સમાજના આગેવાનોએ નલીયા સીપીઆઈ ને મળી અને આ બાબતે ફકત એફ.આઇ.આર થી કામ નહીં ચાલે ત્વરીત આરોપીઓને પકડી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અને મુસ્લિમ સમાજને ન્યાય અપાવવા રજુઆત કરી હતી.