બે પગ વાળા આંખલા ઘાંસ ખાઇ ગયા : કચ્છમાં વન વિભાગ દ્વારા કરોડોનું ચારા કૌભાંડ
ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ મુખ્ય વન સંરક્ષક કચ્છ પાટણ વિભાગને પત્ર લખી ઘાંસ એકત્ર કરવાની કામગીરીમાં સ્થાનિક વન વિભાગે કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. રજુઆતમાં જણાવાયું છે કે ભુજ ઉત્તર રેંજના આર.એફ.ઓ દ્વારા તેમની રેંજમાં ચાલુ વર્ષે અને ગત વર્ષે હબાય રખાલમાં ઘાંસ એકત્ર કરી ધ્રંગ મધ્યે આવેલ જંગલ ખાતાના ગોડાઉનમાં સંગ્રહ કરવા સરકારી નાણા ફાળવવામાં આવ્યા હતા તેમાંથી એકત્ર કરેલ ઘાંસ બારોબાર વેંચી વન વિભાગના ભ્રષ્ટ અધિકારીઓએ ગાંયોના ચરિયાણના કરોડો રૂ. નો ભ્રષ્ટાચાર આચાર્યો છે. આવા ભ્રષ્ટ બાબુઓને આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆતની ગંધ આવતા ભ્રષ્ટાચાર છુપાવવા સુરેન્દ્રનગર જીલ્લાના ચરોટી મધ્યેથી અખાધ ઘાંસ કે જે ખાતર તરિકે વેંચાય છે.
આ ખાતર જેવા ઘાંસને ટ્રકો દ્વારા મંગાવી ધ્રંગ ગોડાઉનમાં સંગ્રહ કરી પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવાની કોશીસ કરી છે. આ ખાતર જેવા ઘાંસને નીચે રાખી અને ઉપર થોડાક પ્રમાણમાં સારો ઘાંસ ઢાંકી દિધેલ છે જેનાથી કોઈને આ ભ્રષ્ટાચાર વિશે જાણ ન થાય જો અછતની પરિસ્થિતિ જાહેર થાય તો આ ખાતર જેવો ઘાંસ ગાંયોને ખવડાવવા માલધારીઓને મજબુર થવું પડશે. એક તરફ સરકાર ગૌ-વંશ બચાવવા કાયદાઓ બનાવી રહી છે ત્યારે આવા બે પગ વાળા આંખલાઓ ગાયોનું ઘાંસ ખાઇ અને કરોડો રૂ.નું ભ્રષ્ટાચાર આચરેલ તે ખુબજ દુઃખદ બાબત છે. માટે આવા ભ્રષ્ટ બાબુઓને સબક શીખવવા તંત્ર દ્વારા કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી આદમ ચાકી દ્વારા માંગ કરાઈ છે. આ બાબતે રજુઆત સમયે તમામ આધાર પુરાવા પણ રજુ કરવામાં આવ્યા છે.