ગોયલા ડેમમાંથી માથાભારે તત્વો ગેરકાયદેસર રીતે પાણી ખેંચી રહ્યા હોવાની ખેડુતોની ફરિયાદ
ગોયલા : અબડાસાના ગોયલા અને મોખરા ગામના ખેડુતો વતી આજે ભાનુશાલી પરસોતમ જેરામ અને હિંગોરજા હાજી જુસબ અલીમામદ દ્વારા કલેકટર કચ્છને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આ આવેદન પત્રમાં જણાવાયું છે કે ગોયલા કેનાલ પર ગોયલા અને મોખરા બંને ગામના 50 થી 55 ખેડુતો છે જે આ કેનાલમાંથી પાણી મેળવી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ગામના તેમજ આજુબાજુના ગામના તથા અન્ય તાલુકાના માથાભારે તત્વો હરીજન લખુ પુના, કોલી જુમ્મા હેરૂ, દાઉદ મીરખાન ચુડાસમા, અબ્દુલ ઇબ્રાહીમ ચુડાસમા, જુમ્મ નાથા ચુડાસમા, ઓસમાણ મીઠુ મેમણ, ઇસ્માઇલ જુસબ મેમણ, અબ્દુલ હુસેન મેમણ જે લોકો ગેરકાયદે મશીન લગાડી પાણી મેળવે છે.
આ બાબતે ખેડુતો વતી ગોયલા અને મોખરા બંને ગ્રામ પંચાયતના સરપંચોએ જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરેલ છતા આ ગેકાયદે પ્રવૃત્તિ બંધ થઈ નથી તેમજ આવા તત્વોને છાવરવા સ્થાનીક અધિકારીઓની મીલીભગતથી જંગડીયા અને જુગાણીયાના તલાટીઓ દ્વારા ખોટા દાખલા અને પંચનામા રજુ કરેલ છે. આ ડેમ પર ગોયલા અને મોખરાના ખેડુતોનો આગ્રહ હક્ક છે. છતા બીજા તાલુકાના માથાભારે માણસો મશીનથી પાણી ખેંચે છે તેમજ અશાંતિ ફેલાવવા પોલીસમાં ખોટી અરજીઓ કરે છે આ બાબતે યોગ્ય પગલા લેવા આવેદન પત્રમાં જણાવાયું છે અને જો તાત્કાલિક પગલા નહી લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.