સ્મૃતિ વનની આસપાસ મોકાની જમીન સગેવગે કરવા રાજકારણીઓ-વેપારીઓ વચ્ચે પડાપડી શરૂ

470

ભુજ : સમૃતિ વનનું કાર્ય હજુ પ્રથમ તબક્કામાં જ ચાલી રહ્યું છે પરંતુ જે પ્રમાણે કાર્યનો ધમધમાટ અને વિશાળ વિસ્તારને સમાવતો પર્યટન હબ આકાર પામી રહ્યો છે. તેને જોતા ભુજીયાની આસપાસ લોકોનો મેળાવડો, વિદેશીઓની આવ-જા, પ્રવાસીઓની ભીડ અને માલેતુજારોની પસંદગીની જગ્યા બનાવાની કલ્પના માત્રથી જ કચ્છના ઝભ્ભા ધારી નેતાઓ અને વ્હાઇટ કોલર બિઝનેસમેનોએ સમૃતિ વનની તદ્દન સામે અને આસપાસ સરકારી ખરાબાની અને ખાનગી જમીનો પર ડોળો માંડવાનું શરૂ કરી દીધું છે.

સમૃતિ વનની ભવિષ્યમાં જાહોજલાલીને નજરમાં રાખીને કેટલાક નેતાઓએ પોતાના માણસોને આરટીઓ રિલોકેશન સાઇટ અને માધાપર નરનારાયણ નગરનો ઉપરનો ભાગ તેમજ ભુજીયાની ફેન્સીંગને અડીને આવેલા પાતળા પટ્ટામાં ‘ધંધા’ માટે જમીન હસ્તગત કરવાનું શરૂ કરી દીધું છે. ભુતકાળમાં સમૃતિ વનની નજીક મોટાભાગની જમીન સાર્વજનિક હેતુઓના બહાને હસ્તગત કરી લેવાઈ છે, તો ઝૂંપડપટ્ટી વિસ્તારનાં લોકોને રજાડવાનું કાર્ય પણ ઉગ્રતાથી આગળ વધવા પામ્યું છે. કોઈ મહાશય વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિ કરી સમૃતિ વન સામે જમીન રોકી રહ્યા છે. તો કોઇ પોતાના માણસોને લારી-ગલ્લા અને ઢાબા ખડકી દેવા સજજ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સમૃતિ વનને જોતા અહીં હોટેલ નિર્માણના અવકાશને જોતા ખાનગી જમીનો ગમે તે ભોગે ખરીદી લેવા વેપારીઓએ મગજ દોડાવાનું શરૂ કર્યું છે. જેમ જેમ સમૃતિ વનનું કાર્ય આગળ ધપતું જશે, તેમ સમયાંતરે દબાણ, ઝૂંપડપટ્ટી, વગેરેના નામે ભવાઈ શરૂ થઈ જવાની ચર્ચા જાગૃતોમાં છેડાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.