ભાજપ અગ્રણી હિતેશ ખંડોરના રિસોર્ટનો ગેરકાયદે પાણી કનેક્શન રદ કરો : આદમ ચાકી, રિસોર્ટ મારૂં નથી : હિતેશ ખંડોર
ભુજ : તાલુકાના બન્ની વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યાનો ઉકેલ દિવસ 10 માં નહીં આવે તો તંત્ર સમક્ષ ચક્કાજામની કોંગ્રેસી આગેવાન આદમ ચાકીએ ચિમકી ઉચ્ચારી છે. બન્ની વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે. લોકોને પીવાના પાણીનો સપ્લાય બંધ કર્યા હોવાની સ્થાનિક બન્નીના પ્રવાસ દરમ્યાન આગેવાનોએ ફરિયાદ કરી હતી જે બાબતે પાણી પુરવઠા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યો છે. 12 ગામોને જે સમ્પ માથી પાણી સપ્લાય કરવામાં આવે છે તે તમામ પાણી હાલ ચાલુ રણોત્સવમાં સપ્લાય કરવામાં આવે છે. આ બાબતે દિવસ 10માં યોગ્ય નહીં થાય તો ચક્કાજામ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. વધુમાં જણાવ્યું છે કે ભાજપના આગેવાન હિતેશ ખંડોર દ્વારા રણ વિલેજ ના નામે રિસોર્ટ ચલાવાઇ રહ્યો છે આ રિસોર્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર પાણી કનેક્શન આપી પાણી પુરવઠા તંત્રની મહેરબાનીથી પાણી સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ પાણી કનેક્શન રદ કરી જવાબદારો વિરુદ્ધ ફોજદારી પગલા લેવા માંગ કરાઈ છે. આવેદન પત્ર આપવા સમયે આદમ ચાકી સાથે જીલ્લા કોંગ્રેસ અગ્રણીઓ ઘનશ્યામસિંહ ભાટી, રમેશ ગરવા, એડવોકેટ હનીફ ચાકી તેમજ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શું કહેવું છે હિતેશ ખંડોરનું ?
રણ વિલેજ રિસોર્ટમાં ગેરકાયદેસર પાણી કનેક્શન મુદે ભાજપના અગ્રણી ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોરની રૂબરૂ મુલાકાત કરતા તેમણે જણાવ્યું કે આ રિસોર્ટ મારૂં છે જ નહી અને આ રિસોર્ટ સાથે મારે કોઇ લેવાદેવા નથી ફક્ત રાજકીય કિન્નાખોરી રાખી મારા પર આક્ષેપ કરવામાં આવ્યો છે.