નખત્રાણા પોલીસના વિચિત્ર એટ્રોસિટી કેસ : બિનહરીફ મુસ્લિમ સરપંચ પર સીધી એફઆઈઆર અને દલિત આગેવાન પર હુમલાની નોંધ પણ નહી..!

1,141

ભુજ : દલિત અત્યાચાર રોકવા એટ્રોસિટી એકટને લઈને નખત્રાણા પોલીસની કાર્યપ્રણાલી સામે ગંભીર પ્રકારના સવાલ ઉભા થયા છે. ભુજના એક જાગૃત નાગરિકે નખત્રાણા પોલીસના એક ફોજદાર કે જેમની સામે મંગવાણાના બળાત્કાર કેસમાં પણ સવાલો ઉઠયા હતા, આ ફોજદાર એટ્રોસિટી કેસ દાખલ કરવા અને એટ્રોસિટી ન કરવાના પણ નાણા લઈ રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે. ભુજના ઇશ્વરગર વિશ્રામગર ગોસ્વામીએ જણાવ્યું કે નખત્રાણા પોલીસ સ્ટેશનના ફોજદાર એલ. પી. બોડાણા એટ્રોસિટી એકટનો ઉપયોગ ભ્રષ્ટ રીતે કરી રહ્યા છે. આ ફોજદાર કયાંક વગર પૂરાવાએ એટ્રોસિટી દાખલ કરવાના રૂપિયા લે છે તો કયાંક દલિત આગેવાન પર અન્ય જાતિના લોકોના ટોળા સ્વરૂપે હુમલાના કેસમાં એટ્રોસિટી દાખલ ન કરવાનું ‘સેટીંગ’ કરી લે છે.

ઇશ્વરગર ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે આમારા ગામના બિનહરીફ ચુંટાયેલા મુસ્લિમ સરપંચ સિધીક નાથા લુહાર વિરૂદ્ધ પુરાવા વગર સીધી એફઆઈઆર દાખલ કરાઇ છે. આ એફઆઈઆર માજી સરપંચ વાલજી મનજી પટેલના કહેવાથી નાણાંકીય વહિવટ બાદ થઇ હોવાનો આક્ષેપ કરાયો છે. બીજી તરફ આજ ફોજદાર દલિત સમાજના એક યુવા અગ્રણી પર હિચકારા હુમલા બાદ તેની નોંધ પણ લેવા તૈયાર નથી..! દલિત અગ્રણીની ફરિયાદ લેવા અનુ. જાતિ આયોગે 30 દિવસની મહેતલ આપી હોવા છતાં નખત્રાણા પોલીસ તેને ગંભીરતાથી લઈ રહી નથી. આ ઇરાદા પૂર્વકની બેદરકારી હોવાથી ફોજદાર બોડાણા વિરૂદ્ધ ગુનો દાખલ કરવા ઇશ્વરગર ગુંસાઇએ માંગણી કરી છે.

Get real time updates directly on you device, subscribe now.