…તો મુસ્લિમ સમાજ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરશે : હત્યા પ્રકરણ બાદ દારૂની બદી પર ફિટકાર
માંડવી : શહેરમાં યુનેન ચાકી નામના યુવાનની હત્યામાં દારૂની બદી કારણભૂત હોવાની રજૂઆત પોલીસ તંત્ર સમક્ષ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણે પ્રેમ પ્રકરણનું રૂપ આપવાની થિયરી વચ્ચે મુસ્લિમ આગેવાનોએ આ ઘટના પાછળ દારૂની બદી જવાબદાર ગણાવી રોષ વ્યક્ત કરતાં પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રાએ જણાવ્યું કે દારૂ ઇસ્લામમાં હરામ છે. દારૂની બદી જયારે મુસ્લિમ સમાજના યુવાનોને ભરખી જતી હોય, અનેક પરિવારો તકલીફ વેઠી રહ્યા હોવા છતાં દારૂની બદી કંટ્રોલમાં ન આવે ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાય એ સ્વાભાવિક છે.
મુસ્લિમ અગ્રણી આદમ ચાકીએ પણ પોલીસ તપાસ પર સવાલો ઉઠાવી મુસ્લિમ સમાજને અન્યાય મુદે તંત્ર ગંભીર ન હોવાનું જણાવ્યું હતું. માંડવીની આ હત્યાની ઘટના બાદ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કચ્છમાં વકરેલી દારૂની બદી મુદે ઉંડું મંથન કરી આગામી સમય દારૂ વિરોધી લડત ચલાવવાનો નિર્ધાર કર્યો છે. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જાહેરમાં જણાવ્યું કે જો તંત્ર અને પોલીસ દારૂની ભઠ્ઠીઓ બંધ નહીં કરે તો મુસ્લિમ સમાજ સંગઠિત થઈ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરશે. આ ચિમકી બાદ પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ છે. અને માંડવી વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.