યુનેન હત્યા કેસમાં નવો ફણગો : હત્યા પાછળ કારણભૂત લવ સ્ટોરી કે પછી દારૂની બદી ?
માંડવી : શહેરમાં યુનેન ચાકી નામના યુવાનની હત્યા બાદ હત્યા પાછળના કારણોને લઈને પોલીસ તપાસ અને મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે મતભેદ સામે આવ્યું છે. સમગ્ર ઘટના પાછળ પોલીસ લવ સ્ટોરી વર્ણવી રહી છે. જયારે આજે ભુજ ખાતે પશ્ચિમ કચ્છ એસ.પી ને રૂબરૂ મળીને મુસ્લિમ સમાજના આગેવાનોએ એવી રજૂઆત કરી છે કે યુવાનની હત્યા પાછળ દારૂની બદી કારણભૂત હોવાની પ્રબળ શકયતા હોવા છતા પોલીસ લવ સ્ટોરી રજુ કરી રહી છે. યુનેન ચાકીના હત્યારાનો પરિવાર દારૂના ધંધા સાથે સંકળાયેલો છે છતા પોલીસ દારૂની થિયરી છોડીને લવ સ્ટોરીને વાળગી રહી છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રાએ જણાવ્યું હતું કે કચ્છમાં દારૂની બદી દરેક સમાજને દજાડી રહી છે. બુટલેગરોની અંટસમાં યુવાનોનો ભોગ લેવાઈ રહ્યો છે. ત્યારે દારૂના ધંધાર્થીઓની હત્યામાં સંડોવણી હોવા છતા પણ સમગ્ર પ્રકરણને ઉંડી તપાસ પહેલા જ પ્રેમ પ્રકરણ જાહેર કરી દેવું એ પૂર્વ યોજીત કાવતરા તરફ ઇશારો આપે છે. આ હત્યામાં આરોપીઓની સંખ્યા પણ વધુ છે, પોલીસ પૂર્વ યોજીત કાવતરાની કલમ સામેલ કરે તેવી તેમણે ઉગ્ર માંગણી કરી હતી. રજૂઆત સમયે મોહસીન હિંગોરજા, અલીમામદ રોહા, અબ્દુલ રાયમા તેમજ હાજી અબ્દુલ ઓઢેજા વગેરે હાજર રહયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસ વાહિયાત : આદમ ચાકી
મુસ્લિમ સમાજના અગ્રણી આદમ ચાકીએ જણાવ્યું કે પોલીસ પ્રાથમિક તબક્કે માત્ર વાહિયાત વાતો કરી રહી છે. સમગ્ર હત્યાનું સ્વરૂપ પૂર્વ યોજીત કાવતરું હોય તે સ્પષ્ટ દેખાય છે. હત્યામાં કેટલા જણા સામેલ હતા અને કેટલા વાહનો હતા તેમજ હત્યારા માંડવી શહેર ઉપરાંતના વિસતારોના કેવા લોકો સાથે સંપર્કમાં હતા તે વાત પરથી પણ પોલીસ પડદો ઉચકે નહીંતર આગામિ સમયમાં હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવશે.