મદ્રેસાઓ બાબતે આપેલ વિવાદાસ્પદ નિવેદનને વખોડતા હાજી જુમ્મા રાયમા
ગાંધીધામ : તાજેતરમાં શીયા વકફ બોર્ડે મદ્રેસા બાબતે નિવેદન આપેલ તેને કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમ્મા રાયમાએ સખત શબ્દોમાં વખોડયો છે. એક પ્રેસનોટમાં જાહેર કરી તેમા જણાવાયું છે કે શીયા વકફ બોર્ડના વસીમ રીઝવીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને મદ્રેસામાં આતંકવાદીઓ દ્વારા ફંડ અપાતો હોવાનું અને મદ્રેસા માથી આતંકવાદીઓ પેદા થતા હોવાનું નિવેદન આપ્યું તે ખેદ જનક છે. વસીમ રઝવી દેશના કટ્ટરવાદીઓની ભાષા બોલી રહ્યા છે. ખરેખર દેશમાં ચાલતા મદ્રેસામાં વફાદારી, દેશભક્તિ અને સારા સંસ્કારોનું સિંચન થાય છે.
દેશની આઝાદીની ચળવળમાં આ મદ્રેસામાંથી નિકળેલા કેટલાય ઉલમાઓએ બલિદાન આપ્યું છે. મૌલાના ફઝલે હક ખૈરાબાદી, મૌલાના અબુલ કલામ આઝાદ જેવા અનેક આઝાદીના લડવૈયા મદ્રેસામાંથી જ નિકળ્યા છે. જે અજમેર દરગાહ પર આજે પણ પ્રધાનમંત્રી ઓફિસે થી ચાદર ચડાવવામાં આવે છે તે ખ્વાજા મોઇનુદીન ચિશ્તી પણ મદ્રેસાની તાલીમથી બહાર આવ્યા છે. તેમજ તમામ મદ્રેસાઓ માં સમયાંતરે સરકારી તંત્ર દ્વારા ઓડીટો પણ કરાય છે. ત્યારે અત્યારે આવું નિવેદન કટ્ટરવાદીઓ ને ખુશ કરવા આપવામાં આવ્યું છે. માટે આ બાબતે તપાસ કરી વસીમ રઝવી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ તેવું અખબારી યાદીમાં જણાવાયું છે.