માધાપરમાં બિલ્ડરો બેફામ વહીવટી તંત્ર “વહીવટ”માં વ્યસ્ત !
માધાપર : ૨૦૦૧ના વિનાશક ભૂકંપને ૧૮ વર્ષ વિતી ગયા, આ વિનાશનો ભોગ દરેક કચ્છવાસી બની ચૂક્યો છે. વિનાશક ભૂકંપ બાદ વિકાસ પણ ઝડપી થયો છે, આ વિનાશક ભૂકંપને ધ્યાને રાખી સરકાર દ્વારા બાંધકામને લગતા કડક નિયમો બનાવેલ છે જે મુજબ બાંધકામ કરવાથી ભવિષ્યમાં આવી કુદરતી આપદા સમયે લોકોના જાન-માલનું રક્ષણ કરી શકાય. પરંતુ પૈસા કમાવવાની લ્હાયમાં બિલ્ડરો-ડોવલોપર્સો સ્થાનીક સત્તાધિસો તેમજ ઉચ્ચ કક્ષાના અમલદારો સાથે સાંઠગાંઠ રચી નિયમોની ઐસીતૈસી કરી બેખોફ નિયમ વિરુદ્ધના બાંધકામો કરી પ્રજાના જાન-માલથી ખીલવાડ કરી રહ્યા છે. અને ભુજ તાલુકાના માધાપર ગામમાં તો જાણે સરકારના કોઈ નિયમો જ લાગુ ન પડતા હોય તેમ અનધિકૃત બાંધકામોની ભરમાર છે. જેમાં ગેરકાયદેસરની બાંધકામ મંજૂરીઓ અને સબપ્લોટીંગ જેવા મુદ્દાઓ મોખરે છે. વિદ્યુત તંત્ર દ્વારા પણ આવા અનધિકૃત બાંધકામોમાં બેફામ વિદ્યુત કનેક્શનો અપાય છે. આવા અનધિકૃત બાંધકામ સામે વહીવટી તંત્ર આંખ આડા કાન કી “સબ ચલતા હૈ” ને સાર્થક કરવા “વહીવટ” કરી રહ્યૂં હોય તેવું પ્રતિત થાય છે. જ્યાં સામાન્ય માણસને નિયમાનુંસાર બાંધકામ મંજૂરી મેળવવા દીવસના તારા દેખાઈ આવે છે ત્યાં બિલ્ડરો બેખોફ અનધિકૃત બાંધકામ કરી તંત્રને ઓપન ચેલેન્જ આપે છે. આવો એક કીસ્સો નીચે ફોટોમાં દેખાય છે.
ભાડાની હદમાં આવતા અને ભુજ-માધાપર ડીપી રોડ પર બે માળનું અનધિકૃત કોમર્શિયલ બાંધકામ કરી બિલ્ડરે વહીવટી તંત્રને ખુલ્લો પડકાર ફેંકેલ છે. આ અનધિકૃત બાંધકામ સામે સ્થાનિક રહેવીસીઓએ અનેક રજૂઆતો-વિરોધ દર્શાવેલ પણ “બળીયાના બે ભાગ”. સ્થાનિકોના વિરોધ-રજૂઆતને સાંભળે કોણ ??! હવે જોવાનું એ રહ્યું કે ગરીબોના ઝુંપડા તોડવા કાયદા અને નિયમોના હવાલા આપી ગરીબોના ઝુંપડા પર બુલડોઝર ફરાવવા તત્પર રહેતું વહીવટી તંત્ર આવનાર દીવસમાં આ અનધિકૃત બાંધકામ સામે પગલાં લેશે કે “સબ ચલતા હૈ” વાળી નિતિને કાયમ રાખીને વહીવટી તંત્ર “વહીવટ” ચલાવશે.