માધાપરમાં બાંધકામના નિયમોના સરાજાહેર ઉડી રહ્યા છે ધજાગરા
માધાપર : 2001ના ભૂકંપ બાદ વિકસેલ ભુજના પરા સમાન માધાપર ગામમાં નવાવાસ અને જુનાવાસ બંને વિસતારોમાં મોટા પાયે નવા બાંધકામો થયા છે. વધારે કમાણી કરવાની લાહ્યમાં બિલ્ડરો દ્વારા બાંધકામમાં નિયમોને ઘોળી પી જવાય છે. આ બાબતે પંચાયત તંત્રનો મૌન જાણે બિલ્ડરોને નિયમ વિરુદ્ધ બાંધકામ કરવા મુક મંજુરી આપી રહ્યો હોય તેવી ચર્ચા જાગૃતોમાં થઈ રહી છે. નવાવાસ વિસ્તારની વાત કરીએં તો અનેક જગ્યાએ નિયમોનો ભંગ કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યો છે. ક્યાંક રેસિડેન્ટમાં કોમર્શિયલ, તો ક્યાંક પાણીના વહેણ પર, તો ક્યાંક સાર્વજનિક પ્લોટો પર બિલ્ડરો દ્વારા દબાણ થઇ રહ્યુ છે. ત્યારે આ સમગ્ર મામલે પંચાયત અજાણ છે ? કે પછી બિલ્ડરો અને પંચાયતની ભાગીદારીથી આવા બાંધકામો થઈ રહ્યા છે ? આવા અનેક પ્રશ્નો જાગૃતોના મનમાં ઉદભવી રહ્યા છે. આવો જ એક દાખલો નીચેના ફોટોમાં જોવા મળી રહ્યો છે.
ભુજ-અંજાર હાઇવે પર રોડ ટચ આવેલ જમીન પર શ્યામ પેલેસના નામે એક હોટલ બનાવવામાં આવી છે. આ હોટેલ પાણીના વહેણ પર બનાવવામાં આવી છે જે તસવીરમાં સ્પષ્ટ દેખાય છે. સાથે સાથે બિનખેતીની શરતોનો ભંગ પણ થયેલ છે. અને તેની પાછળના ભાગમાં સાર્વજનિક ચોકમાં પણ દબાણ થયેલ છે. તેવું સ્થાનિક સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે. આવા અનેક નિયમ વિરુદ્ધના બાંધકામો નવાવાસ પંચાયતની હદમાં થયા છે. ત્યારે આવનારા સમયમાં પંચાયત આવા બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે ? કે પહેલાની જેમ સબ ચલતા હૈ ની નિતી અપનાવશે તે જોવું રહ્યું.