જાણો માધાપરમાં બિલ્ડરો કેવી રીતે ગ્રાહકોને અંધારામાં રાખી જાળમાં ફસાવી રહ્યા છે
માધાપર : જીલ્લા મથકના પરા સમાન માધાપર ગામમાં સોનાની લગડી સમાન જમીનો પર આડેધડ બાંધકામ કરીને બિલ્ડર લોબીની કમાવી લેવાની લાહ્યમાં ગ્રાહકો છેતરાઇ રહ્યા છે. માધાપરનો ઘણો વિસ્તાર ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળની હદમાં ચાલ્યો જતા વહીવટી આંટીઘુટીનો લાભ બિલ્ડરો લઈ રહ્યા છે. બિલ્ડરોએ નિયમો વિરૂદ્ધ બાંધકામની હદ એટલી વટાવી છે કે ભાડાના સૂચિત ટી.પી રોડ વારી જમીન પર મસમોટી કોમર્શીયલ ઇમારતો ઉભી કરી દેવાઈ છે. ભાડા દ્વારા આ બાબતે ભવિષ્યમાં કાર્યવાહી થશે ત્યારે આ મિલ્કત ખરીદનારાઓ ને રાતા પાણીએ રોવાનો વારો આવશે તેવી ચર્ચા માધાપરના જાગૃતોમાં ઉઠી રહી છે.
માધાપરમાં લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ભાડાની હદમાં આવતા સર્વે નંબરો વાળી જમીનની બાંધકામ મંજુરી જીલ્લાના વહિવટી તંત્ર દ્વારા ચકાસવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર બહાર આવે તેમ છે. સૂત્રોમાંથી ચોંકાવનારી વિગતો મળી રહી છે કે ભાડાના સૂચિત ટી.પી રોડની જમીન કે જેમાં બાંધકામ મંજુરી ખુદ ભાડા પણ આપી શકે નહી તેવી જમીન પર વગર મંજુરીએ અથવાતો પંચાયતની ખોટીરીતે મંજુરી લઇ ઇમારતો ખડકી દેવામાં આવે છે. ભાડા ભવિષ્યમાં કાર્યવાહી કરશે ત્યારે આ મિલકત ધારકો અને ભાડા વચ્ચે વિવાદ સર્જાશે પરંતુ હાલ બિલ્ડર લોબી ટી.પી રોડમાં આવતી જમીન પર બિલ્ડીંગો બનાવી અને મોટો નફો રડી અને દુકાનોનું વહેચાણ કરી રહી છે. વધુ લોકો આ ગેરકાયદે બાંધકામની જાળમાં ફસાય તે પહેલા તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.