અજરખપુર ખાતે LLDC દ્વારા ૪ દિવસીય કચ્છી લોક સંસ્કૃતિ મેળો ખુલ્લો મૂકાયો
ભુજ, બુધવાર : કચ્છની લોકકળા અને ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરવા સાથે કારીગરોનાં હાથના કસબને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવાના ઉદેશથી સ્થાપિત લીવીંગ એન્ડ લર્નિગ ડિઝાઇન સેન્ટર (LLDC) દ્વારા આજે અજરખપુર ખાતે કચ્છી લોક સંસ્કૃતિ મેળો-૨૦૧૮ને મહાનુભાવો દ્વારા ખુલ્લો મૂકાયો હતો. LLDCમાં ચાર દિવસીય ફોક ફેસ્ટિવલ-૨૦૧૮માં કચ્છી કળા, કારીગરોની ચીજવસ્તુઓનું નિદર્શન અને વેચાણનું પણ આયોજન કરાયું છે. સાથો સાથ કચ્છની લોકસંસ્કૃતિ તેમજ લોકનૃત્યને પણ મુલાકાતીઓ માણી શકે છે.
કચ્છની બધી કળાનું એકજ સ્થળે પ્લેટફોર્મ પુરુ પાડવાનું આયોજન કરી LLDC દ્વારા કારીગરોની કળાને ઉજાગર કરવાની સાથે કારીગરો દ્વારા ઉત્પાદિત થતી ચીજવસ્તુઓને માર્કેટિંગ માટેનું પ્લેટફોર્મ પુરું પાડવા માટે ફોક ફેસ્ટિવલ-૨૦૧૮નું આયોજન કરાયાનું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સી.બી. જાડેજા, કચ્છમિત્રના પૂર્વ મંત્રીશ્રી કીર્તિભાઇ ખત્રી તેમજ કારીગરોના પ્રતિનિધિ ડો.ઈસ્માઇલભાઇ ખત્રીએ પોતાના વકતવ્યમાં LLDC દ્વારા આયોજિત કાર્યક્રમને બિરદાવ્યા હતા. પ્રારંભમાં સ્વાગત પ્રવચન અમીબેન શ્રોફે કર્યુ હતું જયારે આભારવિધિ અને સંચાલન મહેશ ગોસ્વામીએ કર્યુ હતું. આ પ્રસંગે મુરબ્બી કાંતિસેન શ્રોફ, દિપેન શ્રોફ, વિરેન સર, પૂર્વ સાંસદ પી.એસ.ગઢવી, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ ઉષાબા જાડેજા, કચ્છમિત્રના વ્યવસ્થાપક શૈલેષભાઇ કંસારા, અગ્રણી કે.કે.હિરાણી, વીઆરટીઆઇના ગોરધન પટેલ કવિ, માવજીભાઇ બારૈયા, ભુજ હાટના પરમાર કચ્છભરના કસબી કારીગરો, હસ્તકળા પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.