માતૃભૂમિની રક્ષા કાજે તલવાણાના ક્ષત્રિય યુવાને શહાદત વહોરી
માંડવી : તાલુકાના તલવાણા ગામના જવાને સરહદ પર માતૃભૂમિની રક્ષા કાજે શહાદત વહોરી છે. તલવાણા ગામના આ શહીદ જવાનનું નામ હરદીપસિંહ ઝાલા છે. પંજાબ સરહદે સંવેદનશીલ ગણાતા પઠાણકોટમાં બેઝ ડેપો પાછળ ટેન્ક ઓફ યુનિટ ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા મૂળ લીંબડી તાલુકાના ચચાણા ગામ હાલે 40 વર્ષથી તલવાણા રહેતા ક્ષત્રિય પરિવારના યુવાન હરદીપસિંહ સહદેવસિંહ ઝાલાએ સરહદ પરથી થયેલ ગોળીબારીમાં ઘાયલ થઇને શનિવારે રાતે અંતિમ શ્વાસ લીધા હતા. આજે બપોરે તેમના વતન તલવાણામાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જવાનની શહીદીથી તલવાણા ગામમાં લોકો શોકમાં સરી પડ્યા છે.
ભારતીય જવાન હરદીપસિંહ સહદેવસિંહ ઝાલા 8 જાન્યુઆરી સોમવારે રાત્રે ફરજ પર હતા ત્યારે તેમના યુનિટ એમ-80 ટીપીટી પર પાકિસ્તાન તરફથી આવેલી ગોળીથી આંખના ભાગે ઘાયલ થયા હતા. તેમનું હુલામણુ નામ શક્તિસિંહ છે. ત્યાંથી તેમને ઘાયલ અવસ્થામાં લશ્કરી હોસ્પિટલ પઠાણકોટ ખસેડાયા હતા અને ત્યાંથી 10મી જાન્યુઆરી બુધવારે વધુ સારવાર માટે પંચકૂલા વેસ્ટર્ન કમાન્ડ ચંડી મંદિર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં લાંબી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શહીદ હરદીપસિંહ ઝાલાની ફેબ્રુઆરીમાં સગાઈ થવાની હતી, પરંતુ તે પહેલા જ વીરગતિને પામ્યા છે.