ભુજ તાલુકાના ખાવડા ખાતે શૈક્ષણિક સન્માન સંમેલન યોજાયો
ખાવડા : પચ્છમ યુવા શિક્ષણ પરિષદ,નખત્રાણા શિક્ષણ પરિષદ અને જનવિકાસના ઉપક્રમે કન્યા શાળા,ખાવડા મુકામે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષણના સ્વૈચ્છિક આગેવાનો,સક્રિય શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો,શિક્ષણ માટે કાર્ય કરતા ખાવડા વિસ્તારના મુસ્લિમ ધર્મગુરુઓ તેમજ ખાવડાને પોતાનો વતન બનાવી શિક્ષણ માટે કાર્ય કરતા જુના તેમજ નવા શિક્ષકોનો સન્માન તેમજ પ્રોત્સાહન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત ઉંમર શેરમહમદ સમા દ્વારા આજના કાર્યક્રમનો ઉદ્દેશ્ય તેમજ પચ્છમ યુવા શિક્ષણ પરિષદ વિશે તેમજ ખાવડામાં સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક નેતૃત્વના પ્રયાસોથી ધીરે ધીરે શૈક્ષણિક ક્ષેત્રે ઘણું બદલાવ જોવાઈ રહ્યો હોવાની વાત કરી હતી. જાનીસાર શેખે જનવિકાસના ઉદ્દેશ્ય અને સરકારી પ્રાથમિક શાળાની શિક્ષણ સ્થિતિ સુધારવી શા માટે જરૂરી છે તે વીશે જાણકારી આપી હતી તેમજ યુવાઓ આ પહેલમાં મોટી સંખ્યામાં જોડાયા છે તે બદલ ખુશી વ્યક્ત કરી. કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા શિક્ષણ અધિકારી મહેશ સાહેબ (ભુજ અને નખત્રાણા) દ્વારા શિક્ષકોના પ્રયાસ તેમજ શનિવાર હોવા છતાં શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા તે બદલ ભારોભાર પ્રશંસા કરી અને શિક્ષક સાથે વાલી/એસએમસી/સ્થાનિકો મળીને કાર્ય કરશે તો કામ ખુબ જ સરસ રીતે થશે તેવું જણાવ્યું હતું સાથે સાથે ખાવડા વિસ્તારોની શાળાના પ્રશ્નોમાં પોતે અંગત રસ લઈ નિરાકરણ કરેલા હોય તેમના અનુભવો રજૂ કર્યા હતા.તેમજ વિસ્તારના જે બાળકોના અનિયમિતતાના તેમજ શાળાના વ્યક્તિગત હિત માટે ઉપયોગના પ્રશ્નોને ગંભીરતા પૂર્વક લેવા જોઈએ તેમ જણાવ્યુ હતું તેમજ સાથે મળીને જો કામ કરીશું તો આપણે ખાવડામાં ટૂંક સમયમાં કોલેજની માંગણી કરીશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. શિક્ષણનો હેતુ ફક્ત નોકરી મેળવવા પૂરતું જ નથી પણ વ્યક્તિગત વિકાસ માટે પણ શિક્ષણ ખૂબ જ ઉપયોગી છે તેમ જણાવ્યું હતું. મૌલાના બિલાલ જામઇ દ્વારા ધર્મ અને સામાજિક જીવન જીવવા માટે શિક્ષણના મહત્વ વિશે વાત કરી હતી સાથે સાથે કહ્યું કે આપણે મદરેસામાં આવેલ બાળકો શાળા સુધી પહોંચે તે જવાબદારી આપણી છે.
નખત્રાણાથી આવેલ આગેવાન યાકુબ મુતવા દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને નખત્રાણાના પ્રશ્નો અને બન્ની પચ્છમ ના પ્રશ્નો બાબતે પણ સાથ સહકાર આપવા જણાવ્યું , આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારીએ બન્ની પચ્છમના પ્રશ્નોનો નિકાલ કરવા ખાતરી આપી હતી. ગનીભાઈ (સેતુ અભિયાન) દ્વારા શિક્ષણની જવાબદારી માતા-પિતા તેમજ સમાજના જાગૃત નાગરિકો લે અને સાથે સાથે કન્યા શિક્ષણનો વિકાસ કરવો આ પંથકમાં જરૂરી છે તે વિષય પર ભાર મુક્યો હતો. ખાવડાને જે શિક્ષકો પોતાનું વતન બનાવી લીધેલ છે તેમની તેમજ શિક્ષણ માટે અગાઉ જે શિક્ષકો,જાગૃત નાગરિકો, સંસ્થાઓ પોતાનો ફાળો આપેલ છે તેમને યાદ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ખાવડા અને નખત્રાણાના શૈક્ષણિક કાર્યો કરતા 29 આગેવાનો , 25 સક્રિય શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, 34 શાળાના મુખ્ય શિક્ષક/શિક્ષકો,27 મુસ્લિમ ધર્મગુરુઓનો સન્માન કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મહેશભાઈ(તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુજ), ગણેશભાઈ(દીનારા ગ્રુપ આચાર્ય), જસવંતભાઈ (ખાવડા ગ્રુપ આચાર્ય), દેવજી ભાઈ(ખારી ગ્રુપ આચાર્ય), રાજુભાઈ રાઠોડ(તુગા ગ્રુપ આચાર્ય), વર્ષાબેન (કચ્છ મહિલા વિકાસ સંગઠન), દિલીપ સિંહ જાડેજા (સામત્રા આચાર્ય),(ઉમર શેરમામદ(પ્રમુખ પચ્છમ શિક્ષણ યુવા પરિષદ), ગની સમા(સેતુ અભિયાન), હીરાલાલ રાજદે (લોહાણા સમાજ અગ્રણી), યાકુબ મુતવા (નખત્રાણા), મોહસીન હિંગોરજા (ભુજ), જાનીસાર શેખ(જનવિકાસ) મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો/આચાર્યશ્રીઓનો આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનવર સાધક સમા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પચ્છમ યુવા શિક્ષણ પરિષદ, નખત્રાણા શિક્ષણ પરિષદ, બન્ની પચ્છમ વિસ્તારના આગેવાનો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો,શિક્ષકો તેમજ આચાર્ય, ધર્મગુરુઓ, જાગૃત નાગરિકો તેમજ કરીમખાન જત,કાસમ નારેજા,અનવર સમા,અઝરુદ્દીન સમાએ જહેમત ઉઠાવી હતી.