જીગ્નેશ મેવાણીની કચ્છ મુલાકાતથી ભુજ મહેશ્વરી સમાજના મંદિર તોડફોડનો મામલો ગરમાશે
ભુજ : આગામી તા. 22 મીએ અપક્ષ તરીકે વિજેતા થયેલ દલિત યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કચ્છની મુલાકાતે આવી રહ્યા હોવાથી કચ્છમાં દલિત અત્યાચારની બહુ ચર્ચિત ઘટનાઓ મામલે ફરી રાજકારણ ગરમાયું છે. 22મીએ જીગ્નેશ મેવાણીની સભા સાથે જ ભુજમાં તાજેતરમાં મહેશ્વરી સમાજના મંદિરમાં કરાયેલી તોડફોડનો મામલો નવેસરથી ગરમાયો છે અને આ મુદે દલિત સમાજ જીગ્નેશ મેવાણીની સાથે વધુ ઉગ્ર લડત ચલાવે તેવા સંકેત જોવા મળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ‘દારૂબંધી, દલિત સમાજના જમીન વિહોણા પરિવારો માટે જમીનની માંગણી સહિતના વિવિધ મુદાઓ પર રાજ્ય સરકારને ઘેરવા વિવિધ વિસ્તારોમાં ફરીને જીગ્નેશ મેવાણી પ્રદર્શનો કરી રહ્યા છે. છેલ્લા પુણે ખાતે ભીમા-કોરેગાંવ ખાતે જીગ્નેશ અને ઉમર ખાલિદની સભા બાદ હિંસા ભડકી હોવાનો તેમના પર આરોપ છે. જો કે સૂત્રોના જાણાયા મુજબ જીગ્નેશની કચ્છમાં સભા અગાઉ જ નક્કી થઈ ગઈ છે પરંતુ તાજેતરમાં ભુજમાં મહેશ્વરી સમાજના ગણેશ મંદિરની તોડફોડ મુદે દલિત આગેવાનો અને કચ્છ ભાજપના નેતાઓ આમને સામને છે. તેવામાં જીગ્નેશની મુલાકાત આ પ્રકરણમાં ફરીથી ગરમાવો લાવી દેશે તેવી ચર્ચા કચ્છના રાજકીય આલમમાં ઉઠી છે.