બંધારણને સમજીએં અને ગૌરવ જાળવીએં…
તંત્રીલેખ : આજે દેશ પ્રજાસતાક પર્વ ઉજવી રહ્યું છે. આઝાદી મળ્યા પછી દેશના બુધ્ધિજીવી અને દિર્ગદ્રષ્ટા એવા આપણા પ્રથમ નેતાઓએ જે બંધારણ ઘડી કાઢ્યું એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ અને વિશાળ લોકશાહી વિચારધારા ધરાવતું બંધારણ છે. જો નવી પેઢી બંધારણને જાણી તેને અનુસરે તો દેશનો વિકાસ હાલમાં દેખાય છે તેનાથી બમણી ગતિએ શકય બની શકે પરંતુ અફસોસની વાત છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને દરેક ભારતીયને ગૌરવ થાય તેવા ભારતીય બંધારણ વિશે મનફાવે તેવા નિવેદનો કરી કેટલાક તત્વો બંધારણ વિરોધી વિચારધારા ફેલાવા સક્રિય બન્યા છે.
આપણા બંધારણનું મુલ્ય આપણે જ ઓછું આંકીસુ તો વિશ્વને શું સંદેશો આપીશું ? કચ્છમાં પણ બંધારણ વિરોધી નિવેદનો સોશ્યલ મીડિયા પર ફરતા કરનાર તત્વો મોજુદ છે પરંતુ વિવિધતામાં એકતા ધરાવતા આપણા ભારત દેશના શ્રી રામ, ગુરૂનાનક અને ખ્વાજા મોઇનુદીન ચિશ્તીના અનુકરણીય કાર્યો થકી જ પોત-પોતાની સભ્યતા સંસ્કૃતિ સાથે મહાન દેશના મહાન બંધારણ પ્રત્યે સન્માનની લાગણી સર્વત્ર ફેલાવીએં અને આપણા દેશના બંધારણને ઉંડાણથી સમજી, તેના મૂલ્યોની કદર કરી ભાવિ પેઢીઓના મજબુત ભવિષ્યના નિર્માણ માટે દેશકાજે કંઇક કરી છૂટવાની ખેવના હૃદયના કોઈ ખુણામાં પેદા કરીએ તે જ સાચા અર્થમાં પ્રજાસતાક પર્વની ઉજવણી લેખાશે.