કચ્છમાં ગરીબો વચ્ચે બુંદી-ચવાણુ ધાબળા વહેંચતી સંસ્થાઓ ‘રેઇન બસેરા’ જેવી યોજના માટે આગળ આવે… જાણો શું છે ‘રેઇન બસેરા’
ભુજ : હજુ હમણા…થોડા દિવસ પહેલા એક પર પ્રાંતીય યુવાન જે રોજગાર મેળવવા કચ્છ આવ્યો હતો, રોજી-રોટીની તલાશ તેને છેક ભુજ સુધી ખેંચી લાવી પરંતુ પેટનો ખાડો પૂરવાની ચિંતામાં તેણે એ વિચાર્યું નહોતું કે કાતિલ શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં રાત્રિના સમયે માથું કયાં છુપાવવું ? રોજગારની તલાશમાં જ કોઈ ઓટલા પર નિરાશ થઈને સૂઇ ગયેલા એ નેપાળી યુવાનનું શરીર રાત્રિના ઠંડીથી ઠુંઠવાઇ ગયું અને સવારના એક અજાણી લાશ મળ્યાના અહેવાલ માધ્યમોના એક ખુણામાં ચમકી ગયા… હજુ આ સમાચારની શાહી સૂકાઈ નથી તેવામાં વાગડના ભચાઉ શહેરમાં ઠંડીથી ઠુંઠવાઇ ગયેલી બીજી લાશ મળી આવી..! વિકાસની ગુલબાંગો વચ્ચે આખરે કચ્છમાં ઠંડીથી મૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો કેટલો હશે ? તે બાબતે ન તો તંત્રએ વિચાર્યું છે અને ન સ્વૈચ્છિક સંસ્થાઓએ માનવીય અભિગમના આ વિષયમાં સરકારી તંત્રની તો ગણના જ વ્યર્થ પરંતુ કચ્છની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ માત્ર ગરમ સ્વેટર અને ધાબળા વિતરણ કરીને એવોર્ડની માલિક બની ગઇ છે. ખરેખર કચ્છમાં માનવતાવાદી સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટે માર્ગદર્શન આપેલ એ ‘રેઇન બસેરા’ જેવી યોજના કચ્છમાં લાગુ કરાવવા અવાજ ઉઠાવવો જોઇએં તો જ ઠંડીથી ઠુંઠવાઇને મોતનું પ્રમાણ રોકી શકાશે.
કચ્છના રાજકીય આલમને માઠું ન લાગે તો દિલ્હીની કેજરીવાલ સરકારે ‘રેઇન બસેરા’નો કરેલો અમલ અનુકરણીય છે. ‘રેઇન બસેરા’ એટલે રખડતા-ભટકતા અને ગરીબ મુસાફરોને કુદરતી પીડા સમયે માથું ઢાંકવા મળતો આશરો. પછી તે શિયાળાની ઠંડી હોય કે ઉનાળાની આગ ઝરતી ગરમી કે પછી ભારે વરસાદ હોય… આવા કુદરતી સંજોગોમાં પ્રકૃતિ સામે જીંદગીની બાજી હારી જવાનો ભય પડીકે બાંધીને ફરતા ગરીબ મુસાફરો માટે દેશના દરેક ખૂણે એક લાખ વસતીમાં એક ‘રેઇન બસેરા’ બનાવવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટ આપેલો છે. વર્તમાન કેજરીવાલ સરકાર તેનો ચુસ્ત અમલ કરી રહી છે અને દિલ્હીમાં ઠેર-ઠેર કન્ટ્રોલ રૂમ શરૂ કરીને મોસમની માર ઝીલતા ગરીબોને આશરો અપાય છે. આપણે ત્યાં ગરીબ મેળાઓમાં સાયકલોનું વિતરણ, પર્યટનના નામે કરોડોનો ધુમાડો વગેરેમાંથી થોડા નાણાં ‘રેઇન બસેરા’ જેવી યોજના માટે ફાળવાય તો અંતરિયાળ કચ્છ જીલ્લામાં દર વર્ષે ઠંડીથી ઠુંઠવતા, ઉનાળામાં ગરમીથી મૃચ્છિત થઈને બજારોમાં ઢળી પડતા અને ચોમાસામાં બસ સ્ટેશનો-રેલવે સ્ટેશનોનો આશરો લેતા નિ:સહાય ગરીબ મુસાફરો માટે આશીર્વાદ રૂપ કાર્ય બની રહે. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ બુંદી- ચવાણું, માટલા, ધાબડા, સ્વેટર વગેરે વિતરણ કરીને સરકારી વાહવાહી મેળવી રહી છે તે ગરીબોના આશીર્વાદ આપતી સરકારી યોજનાઓના અમલ માટે પણ કયારેક આવાજ ઉઠાવે તે ઇચ્છનીય છે.