ગાંધીધામમાં ગુનાખોરીના વધતા પ્રમાણને કંટ્રોલ કરવા ગૃહમંત્રી ને રજૂઆત
ગાંધીધામ : ગાંધીધામ સંકુલમાં ગુનાખોરીના વધતા પ્રમાણને રોકવા માનવતા ગૃપના પ્રમુખ ગોવિંદ દનીચાએ ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયું છે કે ગાંધીધામ સંકુલ અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનાખોરીના વધતા જતા પ્રમાણના કારણે પ્રજાજનોમાં ચિંતા નું મોજુ ફરી વળ્યો છે. નાની મોટી ચોરીઓના બનાવોમાં ઠંડીના મોસમના કારણે ઉછાળો આવ્યો છે જે ગુરૂવારે મોડી રાત્રે ટ્રાનસપોર્ટ નગરમાં એક સાથે 17 જેટલી દુકાનો અને ઓફીસોના તાળા તુટવાથી સાબીત થાય છે. તસ્કરો ૠતુના લાભ સાથે પોલીસની મંદગતિએ પેટ્રોલીંગનો લાભ લઇ પોતાનો ઇરાદો પાર પાડી છુ મંતર થઈ જાય છે.
મહેકમ ઓછું અને વિસ્તાર મોટો હોવાના કારણે ચોરીનું પગેરૂ મેળવવામાં પોલીસ હાંફી જાય છે. માટે દુકાનો અને ઓફિસના તાળા તોડી સાધનોની ચોરી કરવી એ તસ્કરો માટે સામાન્ય બાબત થઈ ગઈ છે. આ બાબતે અવારનવાર પોલીસ મહેકમ વધારવા અને આધુનિક સાધનો વિકસાવવા રજૂઆત કરાઇ છે છતા કોઇ યોગ્ય કાર્યવાહી થઈ નથી માટે જો હવે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો વેપારીઓ અને પ્રજાને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી રજૂઆતમાં ગોવિંદ દનીચાએ ઉચ્ચારી છે.