“જય ભીમ” ના સૂત્રોચ્ચાર સાથે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ : ભાજપના દલિત નેતાઓ ભૂગર્ભમાં

1,112

ભુજ : શહેરના સંત રોહીદાસ નગર મધ્યે મહેશ્વરી સમાજના મંદિરમાં સાધનો વડે તોડફોડ કરવાના મામલે એપીએમસીના ચેરમેન કચ્છ ભાજપના પ્રમુખ તેમજ પોલીસ તંત્ર સામે લોકોનો રોષ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઘેરાવ સ્વરૂપે બહાર આવ્યો હતો. ભુજ મહેશ્વરી સમાજ દ્વારા અપાયેલા એલાનના પગલે આજે મોટી સંખ્યામાં મહેશ્વરી સમાજના લોકો સંત રોહીદાસ નગર મધ્યે એકત્ર થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે નીકળીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ઘેરાવ કરવામાં આવ્યો હતો. મહેશ્વરી સમાજના મંદિરને નુકસાન પહોંચાડનાર એપીએમસી સ્ટાફ, એપીએમસી ચેરમેન અને જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ તેમજ ધારાસભ્ય નીમાબેન આચાર્ય વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા.

બી ડિવિઝન પોલીસ મથકે જવાબદારો સામે સ્થળ પર જ એફઆઇઆર નોંધવા દલીત આગેવાનોએ માંગણી કરી હતી, તો બીજી તરફ સમાજના આગેવાનોએ આ એફઆઈઆર નહીં નોંધાય તો પીછે હટ ન કરવા મક્કમતા દર્શાવી હતી. કચ્‍છના ભાજપ નેતાઓની ગેરહાજરી પ્રત્યે પણ રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસ સાથે ભારે ઉગ્ર ચર્ચા બાદ બે દિવસમાં જ જવાબદારો સામે એફઆઇઆર નોંધવાની પોલીસે ખાતરી આપતા પોલીસ સ્ટેશનનો ઘેરાવ સમેટીને રેલીએ જીલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર સોપવા પ્રયાણ કર્યું હતું. બે દિવસમાં એફઆઇઆરની ખાતરી મળતા હાલ લોકોનો રોષ સમી જવા પામ્યો છે પરંતુ બે દિવસ બાદ પોલીસનું પુછાણુ લેવા મહેશ્વરી સમાજ ફરી એકત્ર થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Get real time updates directly on you device, subscribe now.