ભુજમાં મહેશ્વરી સમાજના મંદિરમાં તોડફોડ : નગરસેવકે જીલ્લા ભાજપ પ્રમુખ પર આક્ષેપ કરતા ગરમાવો
ભુજ : શહેરના સંત રોહીદાસ નગર મધ્યે આવેલા મહેશ્વરી સમાજના ગણેશ મંદિરમાં એપીએમસીના કેટલાક માણસોએ તોડફોડ કરતા મહેશ્વરી સમાજમાં રોષ ફેલાયો છે. બપોરે બનેલી આ ઘટનાની જાણ ભુજ શહેરમાં વાયુ વેગે પ્રસરતા મહેશ્વરી સમાજના આગેવાનો રોહીદાસ નગર દોડી ગયા હતા અને લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થતા એક તબક્કે માહોલ તંગ બન્યો હતો પરંતુ સામાજિક આગેવાનોએ આ બાબતે એપીએમસીના મેનેજર સહિત જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરાવવા બી ડીવીઝન પોલીસ મથકે પહોચ્યા હતા. મોડી સાંજ સુધી પોલીસ સાથે મહેશ્વરી સમાજના આગેવાનોની રકઝક ચાલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભુજના નગરસેવક માલસી માતંગે વોઇસ ઓફ કચ્છ સાથે વાત કરતા જણાવ્યું કે ભરાડીયા નામના એપીએમસીના મેનેજરે મહેશ્વરી સમાજના મંદીર તોડવાનું કૃત્ય આચર્યું છે. સમગ્ર ઘટના દરમ્યાન મંદિર તોડનારા તત્વો સાથે પોલીસ મદદમાં ઉભી રહી હતી અને મહિલાઓ તેમજ યુવાનો પર લાઠીચાર્જ કર્યો હવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. તેમણે એપીએમસી ચેરમેન અને જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સમગ્ર ઘટનાના પડદા પાછડ હોવાનો સીધો આક્ષેપ કરતા રાજકીય માહોલ પણ ગરમાઇ ગયો છે. આ બાબતે કેશુભાઇ પટેલનો સંપર્ક કરતા તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. જોકે આ ઘટનાની ગંભીર નોંધ લઇ તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓ દ્વારા મધ્યસ્થી કરીને મંદિરનું નિર્માણ તાત્કાલિક કરીને લોકોનો ગુસ્સો થાળે પાડવા મોડી સાંજ સુધી ચર્ચાનો દોર ચાલી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.