ભુજ બેઠક પર વિલન બનેલા એ 14 કોંગ્રેસી કોણ ?
ભુજ : ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચિંતન શિબિરમાં કહ્યું હતું કે કોંગ્રેસી ઉમેદવારને હરાવવામાં ભુંડી ભૂમિકા ભજવનાર નેતાઓ સામે શિક્ષાત્મક પગલા ભરાશે. કોંગ્રેસ માટે છેલ્લા દિવસ સુધી જીતની ધારણા બળવતર હતી પરંતુ બુથોના આંકડાએ ચિતાર કંઇક અલગ જ આપતા ખુદ કોંગ્રેસી આગેવાનોએ ભુજ બેઠકના બળુકા ઉમેદવાર આદમ ચાકીને હરાવવામાં રસ લીધો છે તેવી લાગણી કાર્યકરોમાં ફેલાઈ હતી. આદમ ચાકીની હાર બાદ ભુજ તાલુકાના અસંખ્ય કોંગ્રેસી નેતાઓમાં નારાજગીનું મોજું ફેલાયું છે. હવે ભુજ બેઠક પર હાર માટે નિમિત્ત બનેલા 14 જેટલા ગદારોના નામો પ્રભારી અશોક ગેહલોત મારફતે હાઈકમાન્ડને સોંપાતા આગામી સમયમાં કોંગ્રેસમાં નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
કચ્છ કોંગ્રેસના સિનીયર આગેવાન જુમ્મા ઇશા નોડેએ આ 14 ગદારો સામે શિક્ષાત્મક પગલા લેવાની માંગ કરી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હારના ભાગીદાર બનેલા આ 14 કોંગ્રેસીઓ કોણ ? તે અંગે જાણવા જુમ્મા ઇશા નોડેનો સંપર્ક કરાતા તેમનો ફોન બંધ હોવાનું જણાયું હતું. જો કે આ 14 ગદારોમાં પ્રદેશ કક્ષાથી લઈને જીલ્લાના સંગઠન હોદેદારો તેમજ ભુજ નગરપાલિકાના કેટલાક કાઉન્સીલરોના નામ શામેલ હોવાનું સૂત્રોમાં ચર્ચાઇ રહ્યું છે. આદમ ચાકીની હાર બાદ ભુજ તાલુકામાં કોંગ્રેસી છાવણી વચ્ચે લકીર ખેંચાઇ ગઈ છે. આદમ ચાકીની હારમાં સક્રિય રહેલા કોંગ્રેસીઓ સામે પગલા ન લેવાય તો આ નારાજગી આગામી સમયમાં વધુ તીવ્ર બનવાની શકયતા છે. ત્યારે કોંગ્રેસ મોવડી મંડળ આગામી સમયમાં શું પ્રતિક્રિયા આપશે તેના પર સૌની નજર મંડાયેલી છે.