બન્નીને રેવેન્યુ દરજજાનું સફેદ જૂઠ હવે નિમાબેન આચાર્યએ વાગોળ્યું..!
ભુજ : તાલુકાના અંતરિયાળ બન્ની વિસ્તારને રેવન્યુ દરજ્જો આપવાની તૈયારી અને તે માટે સ્ટાફ સુધ્ધાની ફાળવણી થઈ ચૂકી હોવાની વાત બન્ની પશુ મેળામાં નીમાબેને કરતાં એક તબક્કે બન્ની વાસીઓમાં ખુશી વ્યાપી હતી. અને એકબીજાને વધામણા આપ્યા હતાં પરંતુ આ ખુશી થોડા જ દિવસમાં ઓસરી ગઈ છે. કારણ બન્ની વિશે નેતાઓ દ્વારા બોલાતા બોલ સરવાળે સફેદ જૂઠ અને જુમલા બાજીથી વિશેષ કશું જ નથી હોતા તેવો અહેસાસ બન્ની વાસીઓને વારંવાર થયા કરે છે. ભૂતકાળમાં આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે બન્નીને રેવન્યુ દરજ્જાની ખાતરી આપી ત્યારે પણ બન્નીના લોકોએ મીઠાઈ વહેચીને વધામણા કર્યા, પરંતુ બાદમાં બન્નીના આગેવાનોને રાજ્ય સરકાર તરફથી જણાવાયું કે બન્નીને અંગ્રેજ કાળના 1927 અને 1955ના વન કાયદા મુજબ મહેસૂલી દરજ્જો અપાશે. આ વાત સાંભળી બન્નીના લોકોની ખુશી વિરોધમાં બદલાઈ ગઈ.
કારણ કે આ વિસ્તારની 19 ગ્રામ પંચાયતો અને લગભગ 82 ગામોને કેન્દ્ર સરકારના 2006 ના કાયદા અધિનિયમ હેઠળ મહેસૂલી દરજ્જો આપવા માંગ સતત ઉઠતી રહી છે, જેમાં રાજ્ય સરકાર રસ દાખવી રહી નથી. વન અધિકાર કાનુન 2006 પરંપરાગત અને આદિજાતિઓને સામુહિક અધિકાર આપે છે. ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ નીમાબેન આચાર્યએ પણ બન્ની વાસીઓની લાગણી જીતવા રેવેન્યુ દરજજા વાળી આનંદીબેનની ખાતરી ફરી દોહરાવી જ નહીં, પણ એક ડગલું આગળ વધતા આ કામગીરી માટે સ્ટાફ પણ ફાળવી દેવાયો હોવાની વાત કરી બીજી તરફ બન્નીના ગામોના સામુહિક અધિકારોના દાવા કલેકટર કચેરીની ટેબલો પરથી આગળ ન વધતા હવે તે ફાઇલો પર ધુળ ચડી રહી છે. બન્નીના આગેવાનો જીલ્લા કક્ષાએ પૂર્ણ થયેલી વન અધિકાર અધિનિયમની ફાઇલોને રાજ્ય કક્ષાએ પહોંચાડવાની માંગ કરી રહ્યા છે. અને નિમાબેને જે સ્ટાફની વાત કરી તેવા કોઈ સ્ટાફ વિશે અજાણતા દર્શાવી હતી. નિમાબેન આચાર્યએ કયા અધિનિયમ હેઠળ બન્ની માટે સ્ટાફ ફાળવાયો છે તે વિશે જાણવા ટેલીફોનીક સંપર્ક ” વોઇસ ઓફ કચ્છ” દ્વારા કરાયો હતો પરંતુ તેમણે ફોન કાપીને બાદમાં કોલ કરવાનો મેસેજ મોકલ્યો હતો પરંતુ કલાકો બાદ પણ તેમનો કોલ ન આવતા આ ગુંચવાયેલા પ્રશ્ન વિશે જાણી શકાયું નથી.