વાવડીની વિવાદિત જમીનમાંથી વીજલાઇન પસાર કરાતાં કબ્જેદાર-કોન્ટ્રાકટર વચ્ચે ઘર્ષણ
ભુજ : તાલુકાના સૌથી ઓછી વસતી ધરાવતા વાવડી ગામે જમીન પ્રકરણ કોર્ટમાં પેન્ડીંગ હોવા છતા ખેતરમાંથી 66 કે.વી. ની લાઈન પસાર કરવા મુદે કોન્ટ્રાકટર અને જમીનના કબ્જેદાર વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉભી થવા પામી છે. કોર્ટમાં સમગ્ર પ્રકરણ પેન્ડીંગ છે, અને પધ્ધર પોલીસે કોર્ટમાં જમીન કૌભાંડ થયુ હોવાનો અભિપ્રાય આપ્યો હોવા છતા વિવાદી જમીનમાંથી 66 કે.વી. ની વીજલાઇન પસાર કરાતા કોન્ટ્રાકટર અને જમીનના કબ્જેદારો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ ઉભી થવા પામી છે. વાવડી ગામે ખેતીની જમીન ધરાવતા હાલે કુકમાના રહેવાસી કાસમ ભુરા નોડે એ જણાવ્યું કે વિવાદાસ્પદ જમીનનો કબ્જો અમારી પાસે છે, પધ્ધર પોલીસે જમીન કૌભાંડ થયું હોવાનું કોર્ટમાં અભિપ્રાય આપ્યો છે.
તે સ.નં. 116/4, 117 પૈકી, 118 વાળા સર્વે નંબરોમાં કોન્ટ્રાકટર પુનરાજસિંહ રાઠોડે બળજબરીથી 66 કે.વી. ની લાઈન ગેરકાયદેસર રીતે પસાર કરવાની પેરવી કરતા અમો એ તારીખ 22-12 ના પોલીસને લેખિત અરજી આપેલ પરંતુ પોલીસ દ્વારા કોઈ પગલા ન લેવાતા ખેતરોમાં વાવેલા જીરૂ અને જુવારના પાકને ભારે નુકશાન થયું છે. આ બાબતે પધ્ધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. આર. ઝાલાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ કે વીજલાઇન વિવાદી જમીન પરથી પસાર થઈ જ નથી. જોકે અરજદાર કાસમ નોડેએ આક્ષેપ કરતાં જણાવ્યુ કે જમીન પર કબ્જો અમારો છે, સમગ્ર પ્રકરણ કોર્ટમાં પેન્ડીંગ છે, પધ્ધર પોલીસે પણ સમગ્ર મામલાથી વાકેફ હોવા છતાં કોન્ટ્રાકટરને વીજલાઇન બળજબરીથી પસાર કરવા દઇ ત્રણેય ખેતરમાં વાવેલા પાકમાં ભારે નુકશાન પહોંચાડવાની મૂક સંમતિ આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. અરજદારે સમગ્ર મામલે કોન્ટ્રાકટર સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગ કરી છે. વીજલાઇન ખેતરમાંથી પસાર કરવા મુદે કોન્ટ્રાકટરના સ્ટાફ અને જમીનના કબ્જેદારો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હોવાનું જાણવા મળી રહ્યુ છે.