પોલીસે 50 પાટીદાર યુવાનોને નજરકેદ કર્યા બાદ માધાપરમાં રૂપાલાની સભા
ભુજ : તાલુકાના માધાપર ગમે જુનાવાસ માટે ડો.નીમાબેન આચાર્યના ઉદઘાટન સમયે જય સરદારના નારા સાથે પાટીદાર યુવાનોએ વિરોધ કરતા ભાજપ નેતાઓમાં દોડા દોડી મચી ગઈ હતી સાંજે નીમાબેનના કાર્યાલયનો પાટીદારોએ ફિયાસ્કો કર્યાબાદ રાત્રે નવાવાસમાં યોજાનાર ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની સભામાં પણ પાટીદાર યુવકો હોબાળો કરે તે પૂર્વે ૫૦ થી વધુ પાટીદાર યુવકોને પોલીસે નજર કેદ કરી લીધા બાદ નાવવાસમાં પુરુષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી. જોકે પાટીદાર યુવાનોને નજર કેદ અંગે બી ડિવિઝન પોલીસ મથકનો સમ્પર્ક કરતા પોલીસે આવી કોઈ સત્તાવાર માહિતી ચોપડે ચડી હોવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ સૂત્રોમાં પાટીદાર યુવકોને નજરકેદની ચર્ચાએ જોર પકડ્યું છે.
નવાવાસમાં પુરુષોત્તમ રૂપાલાએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ વિકાસને દેખતો નથી તે માટે આંખોના ઓપરેસન માટે નેત્રયજ્ઞની જરૂરત હોવાનો કટાક્ષ કર્યો હતો પોતાની ગામઠી શૈલીમાં પુરુષોત્તમ રૂપાલાએ લોકોને જકડી રાખ્યા હતા. દસ વાગ્યે આચારસંહિતા અંગે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યંતી ભાનુશાલીએ કાનમાં આવજ આપતા તેમણે પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું. બહોળી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને ગ્રામજનોને નીમાબેનની તરફેણમાં જંગી મતદાન કરવા અપીલ કરી હતી.