કચ્છી મંત્રીનો તાજ ફરી વાસણ આહિરના શિરે ?
ભુજ : વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વિજય પતાકા લહેરાવી છે ત્યારે મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી પદે નીતિન પટેલને રિપીટ કરાયા છે હવે રાજ્ય સરકારના કેબિનેટમાં કોણ સ્થાન મેળવે છે તે મુદ્દે રાજકીય આલમમાં ઉત્સુકતા ફેલાઈ છે. 1995 માં સરપંચથી ધારાસભ્ય અને ત્યાર બાદ મંત્રી અને સંસદીય સચિવ પદે રહી ચૂકેલા, કચ્છના રાજકારણ પર મજબૂત પકડ ધરાવતા તેમજ સ્વભાવે સરળ એવા વાસણ આહીર રાજ્ય સરકારમાં મહત્વનું સ્થાન મેળવવામાં સફળ થાય તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ચૂંટણી બાદ તરતજ પોતાના વિરોધીઓને આકરી ભાષામાં આડે હાથ લઈને રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા અંજાર બેઠકના વિજેતા ધારાસભ્ય વાસણ આહિરનું નામ રાજ્ય સરકારના મંત્રાલયમાં આગળ ચાલી રહ્યું હોવાનું સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.
કચ્છના રાજકીય પ્રતિનિધિત્વ ની રેસમાં નીમાબેન અને વાસણભાઇનું નામ ચર્ચામાં છે પરંતુ ભુજ બેઠક પર નીમાબેનની જીત પાછળ માત્ર કુદરતી સંજોગો જ જવબદાર હોય તેવી વાત ખુદ ભજપના કાર્યકરો સ્વીકારી રહ્યા છે. બીજી તરફ અંજાર બેઠક પર પોતાની જ જ્ઞાતિના ઉમેદવાર અને વ્યાપક પક્ષ વિરોધી પ્રવૃતિઓ તેમજ અપક્ષ દ્વારા મતોના ધ્રુવીકરણ ના માહોલ વચ્ચે તમામ સમાજને સાથે રાખીને જ્વલંત વિજય મેળવતા વાસણ આહિરના રાજકીય કદમાં વધારો થયો હોવાનો દાવો સૂત્રો કરી રહ્યા છે. રાજ્યમાં ભાજપમાં આહીર સમાજના ચહેરા તરીકે વિજેતા ધારાસભ્યોમાં વાસણભાઇ ની જીતને અલગ રીતે જોવાઈ રહી છે તેથી ભાજપ તેમની અનદેખી ન કરે તેવી પણ શક્યતા છે. જોકે કોંગ્રેસમાં લડાયક નેતાની છાપ ધરાવતા આદમ ચાકીને હરાવનાર નીમાબેન ના સમર્થકો પણ તેમના માટે મંત્રી પદની આશા સેવી રહ્યા છે.