પોલીસના બળે વાવડીમાં ખેતીનો સોથ વાળતી ઓસ્ટ્રો વિન્ડ કંપની : કોન્ટ્રાકટર સામે ફરિયાદની તૈયારી
ભુજ : તાલુકાના વાવડી ગામની સીમમાં ખાનગી માલિકીના ખેતરમાંથી 66 કે.વી. વીજલાઇન પસાર કરવા પોલીસનો સહારો લઈને ખેતીનો સોથ વાળતાં નારાજ ખેડુતોએ કંપનીના કોન્ટ્રાકટર સામે કાયદાકીય રાહે ફરિયાદ કરવાનું મન બનાવતા અને ઓસ્ટ્રો વિન્ડ કંપનીની કાર્ય પધ્ધતિ સામે કચ્છના અન્ય વિસતારોમાંથી પણ રોષની લાગણી ઉદભવતા આગામી સમયમાં વીજલાઇન પસાર કરવાના આ કાર્યમાં મોટા ગોટાળા સામે આવે તેવી સંભાવના સૂત્રો દ્વારા વ્યકત કરાઈ રહી છે.
વાવડી ગામના ખેડુત કાસમ ભુરા નોડેએ જણાવ્યું કે કંપનીના કોન્ટ્રાકટર પોલીસને સાથે રાખીને બળજબરી પૂર્વક ખેતરમાંથી વીજલાઇન પાથરીને ખેતીનો સોથ વાળી રહ્યા છે. ખેતીને નુકસાન થઈ રહ્યો હોવાની ફરિયાદ કરતા કંપનીના કોન્ટ્રાકટર પોલીસને આગળ ધરી દે છે. સ્થાનિક કોન્ટ્રાકટરે નિયમો વિરૂદ્ધ બળજબરી પૂર્વક ખેતરમાંથી વીજલાઇન પસાર કરીને ખેડુતોને નુકસાન પહોંચાડયો હોવાથી અને કોન્ટ્રાકટરે પોલીસના બળે ખેડુતો સાથે ધાક ધમકી કરી હોવાથી વાવડીના ખેડુતો આગામી સમયમાં કોન્ટ્રાકટર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી તેમજ લોક લડત ચલાવશે તેવું જાણવા મળી રહ્યુ છે.