હરિપરમા ૯૬૧ માંથી માત્ર ૪ મત પડ્યા, લોકશાહીના રક્ષકો નોંધ લે…
ભુજ : ભુજ વિધાનસભા બેઠક પર ચૂંટણી જંગમાં મતદાનના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ૮૦ થી માંડીને ૯૦ ટકા તો ભુજ શહેરમાં સરેરાશ ૬૫ ટકા જેવું મતદાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે જમીન આસમાનનો ફરક દેખાઈ રહ્યો છે. સૌથી વધુ મતદાનનો રેકોર્ડ સરહદી પચ્છમના કોટડા ગામે ૯૬ ટકા સાથે અંકિત કર્યો છે. તો હરિપર એક બૂથમાં ૯૬૧ મતદારોમાંથી માત્ર ૪ મત પડતા સૌ ચોંકી ઉઠ્યા છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પૂર્વે પોતાની માંગણીઓ પુરી કરાવવા ચૂંટણી બહિષ્કારની ચીમકી અપાતી હોય છે.
પરંતુ ભુજ તાલુકાના અને જિલ્લા મથક નજીક આવેલા હરિપર ગામમાં માત્ર ૪ ટકા મતદાન લોકશાહી વ્યવસ્થા માટે ચિંતાજનક બાબત છે. વહિવટી તંત્રએ મોટા ઉપાડે ખર્ચ કરીને મતદાન કરવા પ્રચાર કર્યો, પરંતુ દિવા તળે અંધારું હોય તેમ જિલ્લા મથક ભુજ નજીકના ગામમાં લોકશાહીના પર્વ સમાન વિધાનસભા ચૂંટણીમાં નિરૂત્સાહી માહોલ ઘણું બધું કહી જાય છે. વિકાસના બણગા વચ્ચે હરિપર ગામ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયું છે. કોઈ રાજકીય પક્ષકે તંત્ર એ આ ગામ પ્રત્યે દાખવેલી ઉદાસીનતા માત્ર ૪ ટકા મતદાન માટે નિમિત્ત બની હોય તો તેની ગંભીર નોંધ લઇ આટલા ઓછા મતદાન પાછળના કારણો અને પરિબળો ચકાસવા જરૂરી છે તેવો સુર જાગૃતોમાંથી ઉઠી રહ્યો છે.