શિક્ષણ અને અનાજ મુદે કોંગ્રેસી આગેવાનોના સમાંતર આવેદન પત્રો થી રાજકીય ઉત્સુકતા : આદમ ચાકીની ગર્ભીત ચેતવણી
ભુજ : આજે કોંગ્રેસી આગેવાનોએ બે અલગ-અલગ છાવણીઓમાં સમાંતર આવેદન પત્રો આપતા વિધાનસભા ચુંટણી બાદ ફરીથી રાજકીય ઉત્સુકતા ફેલાઈ છે. કચ્છ જીલ્લા કોંગ્રેસ શિક્ષણ મુદે જયારે તાજેતરમાં ભુજ બેઠક પરથી વિધાનસભા ચુંટણી લડનાર કોંગ્રેસી આગેવાન આદમ ચાકીએ બન્ની પચ્છમમાં અનાજ વિતરણમાં કૌભાંડ મુદે આવેદન પત્ર પાઠવ્યો હતો. કચ્છ જીલ્લા કોંગ્રેસના નેજા હેઠળ અપાયેલા આવેદન પત્રમાં કચ્છમાં પ્રવાસી શિક્ષકોને રેગ્યુલર કરવા, શિક્ષકોની ઘટ તાત્કાલિક ભરવા અને માધ્યમિક તેમજ પ્રાથમિક શિક્ષણના બંને અધિકારીઓની ખાલી જગ્યા ભરવા માંગ કરાઈ હતી. આ વેળાએ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, નવલસિંહ જાડેજા, રસિક ઠકકર, માનસી શાહ વગેરે ઉપસ્થિત રહયા હતા.
બીજી તરફ જીલ્લા કલેકટર કચેરીએ તાજેતરમાં ભુજ બેઠક પરથી ચુંટણી હારનાર કોંગ્રેસી અગ્રણી આદમ ચાકીએ આવેદન પત્ર પાઠવ્યુ જેમાં તેમણે જણાવ્યુ હતું કે બન્ની પચ્છમ વિસ્તારના 3292 રાશન કાર્ડ ધારકોને છેલ્લા 16 મહિનાથી અનાજનુ વિતરણ બંધ કરવામાં આવ્યું છે. બીપીએલ અને એપીએલ મા સમાવિષ્ટઆ રાશન કાર્ડ ધારકોને તાત્કાલિક અનાજ વિતરણ શરૂ નહીં કરાય તો આગામી સમયમાં લોકશાહી ઢબે ઉગ્ર લડતની તેમણે ચિમકી ઉચ્ચારી હતી. આવેદન પત્ર પાઠવ્યા બાદ ગર્ભીત ભાષામાં જણાવ્યું હતું કે હવે ચુંટણી પુરી થઇ ગઇ, લોકોના પ્રશ્નો મુદે કથિત નેતાઓ મારી સાથે જોડાય. પત્રકારો સમક્ષ કોઈનું નામ લીધા વિના તેમણે કહ્યુ કે ત્રણ જણા અને એક વકીલ આ ચારેય જણા ગરીબો માટેની લડતમાં જોડાય… આમ કહીને ચુંટણી સમયે વૈમનસ્ય ફેલાવનાર તત્વોને ગર્ભીત શબ્દોમાં ચેતવણી ઉચ્ચારતા ફરી રાજકીય ઉત્સુકતા ફેલાઈ છે. આવેદન પત્ર આપતી વખતે તેમની સાથે સિનિયર કોંગ્રેસી નેતા જુમ્મા ઇશા નોડે, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા ઉપસ્થિત રહ્યા હતા.