છબીલદાસ પટેલે ફોર્મમાં ખોટી વિગત દર્શાવી હોવાના આક્ષેપ સાથે ચૂંટણી અધિકારીને ફરિયાદ
ભુજ : અબડાસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર છબીલદાસ પટેલ વિરુદ્ધ ફોર્મમાં ખોટી વિગત દર્શાવવી હોવાના આક્ષેપ સાથે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. ભુજ નિવાસી માયા સનતકુમાર મહેતા દ્વારા આ બાબતે ૧-૧૨-૧૭ ના અબડાસા ચૂંટણી અધિકારી તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી ને સંબોધીને રજુઆત કરવામાં આવી છે. આ રજુઆત મુજબ અરજદારે જણાવ્યું છે કે છબીલદાસ પટેલે ફોર્મમાં સ્થાવર મિલકતોની વિગતમાં અરવલ્લી જિલ્લાની એક ખેતીની જમીન નો ઉલ્લેખ કરાયો છે અને આ જમીન તેમને વારસામાં મળી છે તેવું ઉલ્લેખ કરાયો છે. જોકે અરજદારે જાત તપાસ કરતા આ જમીન તેમણે ખેતા રામજી નામના વ્યક્તિ પાસેથી ખરીદેલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આમ છતાં છબીલદાસ પટેલ દ્વારા ખોટી વિગત દર્શાવા પાછળ શું કારણ છે તે તપાસ કરી અને આ બાબતે કડક કાર્યવાહી કરવા રજુઆત કરેલ છે.
તેમજ તેમના કુટુંબ ના પાન કાર્ડ અને આવક વેરાના રિટર્ન ની માહિતી પણ ખોટી દર્શાવવા માં આવી છે. માટે તેમના પાસેથી અસલ પાનકાર્ડ મેળવી તપાસ કરી અને સોગંદનામા માં ખોટી વિગતો દર્શાવવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવે. તથા અન્ય એક કોલમમાં શૈક્ષણિક લાયકાત એન.એમ. લો કોલેજ ગુજરાત યુનિવર્સીટી માંથી એલ.એલ.બી ની ડિગ્રી બતાડવામાં આવી છે જોકે આ બાબતે તપાસ કરતા આવી કોઈ કોલેજ ગુજરાત યુનિવર્સીટી હેઠળ હોય તેવું જાણવા મળ્યું નથી. બિન કૃષિ વિષયક જમીનની વિગતોમાં ૨૦૧૨ માં મિલકત ખરીદીની જે તારીખ બતાડવામાં આવી છે તે જ મિલકતની ખરીદી તારીખ ૨૦૧૭ના સોગંદનામામાં બીજી બતાડવામાં આવી છે. ધારાસભ્ય પદના ઉમેદવાર એ જવાબદાર નાગરિક ગણાય અને પ્રજા તેના પર ખુબ જ ભરોસો કરતી હોય છે ત્યારે સોગંદનામા માં ખોટી વિગતો દર્શાવી પ્રજાને ગેરમાર્ગે દોરનાર ઉમેદવાર વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવું માયા મહેતા દ્વારા રજુઆતમાં જણાવાયું છે.