અંજાર બેઠક પર કોંગ્રેસને ભાજપથી નરાજ નેતાનો લાભ નહિ મળે : ગેલુભા જાડેજા ભાજપમાં જોડાયા
ચાકાર-કોટડા : ચૂંટણીઓના સમયે એક પક્ષ મૂકી બીજા પક્ષમાં જતા કાર્યકરો તથા આગેવાનોની ભરમાર હોય છે. પણ આ અગેવાનો માંથી સક્ષમ અને લોકપ્રિય આગેવાન હોય તો તેની અસર કાર્યકરો તથા શુભચિંતકો પર પડતી હોય છે. આવો જ એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. મોટા રેહાના 10 વર્ષ સુધી સરપંચ પદે રહેલા અને આસપાસના ૭ થી ૮ ગામોમાં લોકપ્રિયતા ધરાવતા આગેવાન ગેલુભા જાડેજા વાસણભાઇ આહિરના હસ્તે ખેસ પહેરી આજે વિધિવત 400 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા.
જોકે ગેલુભા જાડેજા ભાજપના જ હતા પણ 2015 તાલુકા પંચાયત ચૂંટણીમાં ટિકિટ ફાળવણી બાબતે થયેલ વિવાદના કારણે તેઓએ ભાજપથી કિનારો કરી તાલુકા પંચાયત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા. અપક્ષમાં ચૂંટણી લડતા તેઓને નજીવા અંતરે હારનો સામનો કરવો પડ્યો હતો. આ આગેવાનની નારાજગીનો લાભ કોંગ્રેસને અંજાર વિધાનસભા સીટ પર મળશે તેવું કોંગ્રેસના કાર્યકરોમાં અંદરો અંદર ચર્ચા હાલી રહી હતી. ત્યારે આજે ગેલુભા જાડેજા 400 કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસને આ આગેવાનની ભાજપ પ્રત્યેની નારાજગીનો લાભ નહિ મળે તેવું રાજકીય સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.