P M કચ્છી બોલશે તેનાથી કચ્છી ભાષાને માન્યતા મળશે ? : કચ્છી માડુઓનો સવાલ
ભુજ : આજે વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં સભાને સંબોધનની શરૂઆત કચ્છી ભાષાના કેટલાક વાક્યોથી કરતા કચ્છીઓએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. એક તરફ પી.એમ મોદીના કચ્છી બોલથી લોકોમાં આકર્ષણ ઉભું થયું છે ત્યારે બીજી તરફ કચ્છી ભાષા કચ્છના રાજકારણમાં ચગે તેવી શક્યતા છે. પી.એમ. ના સંબોધનના પ્રારંભિક શબ્દો કચ્છીમાં સાંભળતા જ લોકોએ અંદરો અંદર ચર્ચા શરુ કરી છે કે આઝાદીના ૭ દાયકાથી કચ્છીઓને ખમીરવંતા કહીને તેમની ભાવના સાથે રાજકીય ખેલ થતા રહ્યા છે. ખમીરવંતું કચ્છ શબ્દ વર્ષોથી કચ્છીઓને આકર્ષવા નેતાઓ વાપરતા આવ્યા છે.
પરંતુ આ વિધાનસભા ચૂંટણીમાં પી.એમ મોદીએ કચ્છીમાં ભાષણ આપીને કચ્છ વાસીઓને રીઝવવાનો પ્રયાસ કરતા તેના પર રાજકારણ શરુ થયું છે. કચ્છી ભાષાના હિમાયતીઓ સોશ્યલ મીડિયા પર એવા મેસેજ વહેતા થયા છે કે દેશના પી.એમ કચ્છીમાં લખેલી સ્ક્રીપટ વાંચી જશે તેનાથી કચ્છી ભાષાનું સંવર્ધન થઇ જશે ? આઝાદી બાદ કચ્છી ભાષાને કાયદેસરની માન્યતા આપાવવા કચ્છીઓ મહેનત કરી રહ્યા છે. તેને કોઈ રાજકીય પક્ષ ટેકો આપવા તૈયાર નથી પણ જયારે ચૂંટણી આવે ત્યારે કચ્છી સંસ્કૃતિ કચ્છી ખમીર વગેરે જેવા શબ્દો ઉછાળીને કચ્છીઓની ભાવના સાથે નેતાઓ રમત રમી જાય છે. દેશના વડાપ્રધાન જયારે કચ્છી ભાષામાં ભાષણ આપતા હોય ત્યારે કચ્છી ભાષાના સંવર્ધન અને તેની કાયદેસરની માન્યતાનું શું થયું ? તે પ્રશ્ન પણ કચ્છી પ્રજા ઉઠાવી રહી છે.