નલિયાકાંડનું એ. પી. સેન્ટર રહેલું માધાપર નીમાબેન માટે બન્યું “ગલે કી હડ્ડી”
ભુજ : નલિયાકાંડનું એ.પી. સેન્ટર રહેલું માધાપર ગામ ભાજપના ધારાસભ્ય નીમાબેન આચાર્ય માટે ‘ગલે કી હડ્ડી’ બની રહ્યો છે. મતદાન આડે હવે માત્ર નવ દિવસ રહ્યા છે છતાં ભાજપના ગઢ એવા માધાપરમાં ભાજપનું લોક સંપર્ક કે અન્ય પ્રચાર પ્રવૃત્તિ દેખાઈ રહી નથી. સ્થાનિક ભાજપ નેતાઓ પ્રત્યે પ્રજાનો રોષ અને ભાજપમાં ભયકંર જૂથવાદ ઉપરાંત નલિયાકાંડ રૂપી લાગેલો મોટો ધબ્બો માધાપરના ભાજપ નેતાઓનો હજુ પણ પીછો છોડી રહ્યો નથી. નલિયાકાંડનો ભાંડો જે કહેવાતી શિબિરમાંથી ફૂટ્યો હતો તે માધાપરમાં જ હતી અને નલિયાકાંડ એ માધાપરમાં રાજકીય રીતે સીધી અથવા આડકતરી રીતે અનેકને દઝાડ્યા છે. ત્યારે ભાજપ માટે અનેક મુસીબતોનુ કેન્દ્ર માધાપર બની જતા ભાજપના ગઢ એવા ગામમાં પ્રચાર કાર્ય ક્યાંથી અને કેવીરીતે શરૂ કરવું તેની દિશા હજુ સુધી નક્કી ન થતા સ્થાનિક નેતાઓના કપાળે ચિંતાની લકીર ઉપસી આવી છે.
એક તરફ પાટીદાર આંદોલનની અસર જોર પકડી રહી છે તેવામાં ભાજપે લેવા પટેલ ઉમેદવારની ટિકિટ કાપતા નાવવાસમાં ભાજપ માટે પ્રચાર કરવા મુદ્દે કાર્યકરો નીરસ બન્યા છે. તો જૂનાવાસમાં મહા લોકસંપર્ક દરમ્યાન દલિત વિસ્તારમાં સાંસદ વિનોદ ચાવડા સમક્ષ લોકોએ ચોખ્ખા શબ્દોમાં રોષ ઠાલવતા ઉમેદવાર નીમાબેન સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે, અધૂરામાં પૂરું ગત ટર્મના ગ્રામ પંચાયતના કાર્યકાળ દરમ્યાન થયેલા બખેડા અને બબાલોનો હિસાબ ચૂકતે કરવા માધાપરમાં ભાજપના જ ઘરના ભેદીઓએ તલવાર મ્યાનથી બહાર કાઢી લીધી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. પાટીદારોનો રોષ, નલિયાકાંડના ભૂત ધુણવાનો છૂપો ડર, પાંચ વર્ષની મનમાની અને ગરીબ પ્રજા સાથે અન્યાયી તેમજ અત્યાચારી વલણ વગેરે બાબતો માધાપરમાં ભાજપ માટે પ્રચારના મુહૂર્ત આડે ગ્રહણો બનીને નડી રહી છે તેવી ચર્ચા માધાપરની શેરીઓમાંથી સંભળાય છે. માધાપરમાં બે જૂથ માંથી એક જૂથ નલિયાકાંડના ઓછાયા તળે સતત ભૂગર્ભમાં રહેવા મજબુર છે તો બીજું જૂથ ટિકિટમાં કપાઈ જતા ચૂંટણી આડે ગણતરીના દિવસો હોવા છતાં પ્રચાર માટે થનગનતા કાર્યકરો નિર્દોષ ભાવે મોટા માથાઓ ભણી નજર માંડીને બેઠા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.