કચ્છમાં ઉમેદવારોની જાહેરાતને લઈને ઉત્સુકતા : કોણ સિક્સર મારશે ? કોની ઉડશે વિકેટ ?
ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૧ નવેમ્બર છે. ત્યારે આજે ૧૮ તારીખ થઇ છતાં કચ્છના મુરતિયાની બંને પક્ષે જાહેરાત કરી નથી. ત્યારે લોકોના મનમાં ઉત્સુકતા વધી રહી છે કે કયો પક્ષ ક્યાં ઉમેદવારને ટિકિટ આપશે. શુક્રવારે ભાજપ દ્વારા ૭૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઈ હતી. જેમાં કચ્છમાં એક માત્ર અંજાર સીટ માટે વાસણ આહિરનું નામ જાહેર થયું હતું. કચ્છમાં હજુ પણ પાંચ સીટો પર ભાજપના ઉમેદવારો બાબતે સસ્પેન્સ છે.
ત્યારે કોંગ્રેસે હજુ સુધી પોતાની યાદી જાહેર જ નથી કરી. કોંગ્રેસ ૧૭ મી ના જાહેરાત કરે તેવી શક્યતા હતી પણ PAAS ના નેતાઓ સાથે વિવાદ થતા કોંગ્રેસે યાદી જાહેર કરવાનું ટાળ્યું હતું. આજે પણ કોંગ્રેસ યાદી જાહેર કરે તેવી શક્યતાના કારણે લોકો રાહ જોઈ રહ્યા હતા કે કોંગ્રેસ આજે યાદી જાહેર કરશે પણ આજે હમણાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન થતા સમગ્ર કચ્છમાં લોકોમાં એવી ચર્ચા જોવા મળી હતી કે નામો ક્યારે જાહેર થશે. ત્યારે કચ્છના લોકોમાં ઉમેદવારોની જાહેરાત બાબતે ક્રિકેટ મેચ જેવી ઉત્સુકતા જોવા મળી હતી કે હવે પછી કોણ બોલિંગ કરશે અને આ બોલ પર કોણ સિક્સર ફટકારશે અને કોની વિકેટ ઉડશે ?