ઓવરલોડ વાહનોના કારણે કોટડા-ચકાર રોડની ખસ્તા હાલત
ભુજ : તાલુકાના કોટડા-ચકાર રોડ પર બેફામ ઓવરલોડ વાહનો ચાલી રહયા હોવાની રાવ સ્થાનિકો માથી ઉઠી રહી છે. કુકમા ગામ પાસેથી પસાર થતા કોટડા-ચકાર રોડ કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો છે. થોડા જ સમય પહેલા બનેલા આ રોડ પર અનેક જગ્યાએ ખાડા પડવાથી રોડની ખખડધજ હાલત થઇ ગઇ છે. કોટડા-ચકારની આસપાસ ડુંગર વિસ્તારોમાં કાંકરીના ભેડીયા ધમ ધમે છે. આ ભેડીયાઓ મારફતે ડંપરો તેમજ અન્ય ભારે વાહનો દ્વારા કાંકરી સપ્લાય કરાય છે. આ ભારે વાહનો દ્વારા બેફામ ઓવરલોડ ભરવામાં આવે છે.
આવા ઓવરલોડ ભરી ચાલતા વાહનોના કારણે આસપાસના 18 થી 20 ગામોને જોડતા રોડની ખસ્તા હાલત થઈ ગયેલ છે. માટે બેફામ ઓવરલોડ ભરી ચાલતા વાહનોને તંત્ર દ્વારા રોકવામાં આવે નહીંતર પ્રજાના પૈસાથી બનેલો આ રોડ લાંબા સમય સુધી ટકશે નહી જેના કારણે પ્રજાના નાણા પાણીમાં જશે. માટે ઓવરલોડ ભરી બેફામ ચાલતા વાહનો સામે તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ તેમજ ભેડીયાના માલીકો દ્વારા વાહનો લોડીંગમાં ઓવરલોડ ન ભરાય તેની તાકીદ પણ તંત્રએ કરવી જોઈએ તેવુ સ્થાનિકો માંગ કરી રહયા છે.