હાજીપીર પાસે કંપનીઓ દ્વારા ચાલતા ઓવરલોડ વાહનો બંધ નહિ થાય તો રસ્તા રોકો આંદોલન
નખત્રાણા : હાજીપીર પાસે આવેલ બે કંપનીઓ સત્યસ બ્રાઇન અને આર્ચિયન કેમિકલ દ્વારા ઓવરલોડ ગાડી ચલાવાઈ રહી હોવાની ફરિયાદ સ્થાનિકો માંથી ઉઠી રહી છે. લુડબાય જૂથ ગ્રામ પંચાયતના સદસ્ય યાકુબ મુતવા દ્વારા આ બાબતે કલેક્ટર તથા અન્ય સબંધિત તંત્રોને લેખિત ફરિયાદ આપી અને જો યોગ્ય નહિ થાય તો રસ્તારોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે હાજીપીર પાસે આવેલ સત્યસ બ્રાઇન કંપની માંથી ઓવરલોડ મેટલની ભરેલી ગાડીઓ ચલાવાઈ રહી છે તેમજ આર્ચિયન કેમિકલ દ્વારા નમકની ભરેલી ઓવરલોડ ગાડીઓ બેફામ ચાલવામાં આવી રહી છે.
જેના કારણે રોડ રસ્તાની હાલત ખખડધજ થઇ ગઈ છે. તેમજ હાજીપીર વિસ્તારના માલધારી ખેડૂતો અને અન્ય લોકો આ રોડના કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છે. માટે ઓવરલોડ ગાડીઓના કારણે રોડ રસ્તા ને થતા નુકશાન તેમજ લોકોને પડતી મુશ્કેલીના હલ માટે તંત્ર પાસે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઇ નથી. જો આ બંને કંપનીઓ દ્વારા ચલાવતા ઓવરલોડ વાહનો બંધ કરવામાં નહિ આવે તો આગામી ૨૦ મી તારીખે સ્થાનિક લોકો સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.