રમેશ મહેશ્વરીની ટિકિટ કપાતા ભુજ ભાજપ કાર્યાલય પર ડખ્ખો
ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા શનિવારે ૩૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગાંધીધામ સીટ પર માલતીબેન મહેશ્વરીનું નામ જાહેર કરાયું હતું. માલતીબેન નું નામ જાહેર થતા ચાલુ ધારાસભ્ય રમેશ મહેશ્વરીના સમર્થકોમાં નારાજગી હોવાની ચર્ચાએ કાલે રાતે જોર પકડ્યો હતો. ત્યારે આ ચર્ચાને સમર્થન આપતી ઘટના આજે ભુજ ભાજપ કાર્યાલય મધ્યે બની હતી. રમેશ મહેશ્વરીના સમર્થકોએ કાર્યાલય પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
તેમજ કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા વિરુદ્ધ નારેબાજી કરાઈ હતી. આ વિરોધ પ્રદર્શન દરમ્યાન ગાંધીધામના ૨૨ થી ૨૩ કાઉન્સિલરોએ રાજીનામુ ધરી દીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યો હતો. જોકે ભાજપના સત્તાવાર સૂત્રોએ આ બાબતે કોઈ પુષ્ટિ આપી નથી. સમગ્ર ગુજરાતમાં ટિકિટ ફાળવણી મુદ્દે ભાજપમાં ઠેર ઠેર વિરોધનો વંટોળ ઉભો થયો છે ત્યારે કચ્છમાં પણ તેની અસર જોવા મળી હતી. જોકે આ સમગ્ર ઘટના પાછળ ધારાસભ્ય રમેશ મહેશ્વરીનો હાથ છે ૧૦ વર્ષ સુધી જેને પાર્ટીએ તક આપી હવે નવા ઉમેદવારને મોકો મળતા આપ્રકારની માનસિકતા યોગ્ય નથી તેવી ચર્ચા ભાજપના કાર્યકરોમાં છેડાઈ છે.