ભાજપના માઈક્રો પ્લાનિંગ સામે કોંગ્રેસનો સોશ્યલ મીડિયા વાર
ભુજ : વિધાન સભા ચૂંટણી સંદર્ભે બંને પક્ષોએ ચૂંટણી પ્રચાર વેગવંતુ બનાવ્યું છે. બંને પક્ષો પ્રચાર માટે નવા નવા હથકંડા અપનાવી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં ડોર ટુ ડોર, સોશ્યલ મીડિયા તેમજ આકર્ષક સ્લોગનો ના ઉપયોગ કરવામાં આવે છે. ‘વિકાસ ગાંડો થયો છે’, ‘હું છું વિકાસ, હું છું ગુજરાત’, ‘હું છું પાક્કો ગુજરાતી’ વગેરે સ્લોગનોનો ઉપયોગ કરી બંને મુખ્ય પક્ષો પોતાના પક્ષનું પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપનો માઈક્રો પ્લાન ચાલશે કે કોંગ્રેસનો સોશ્યલ મીડિયા આક્રમણ કામ કરશે તેવું બુદ્ધિ જીવી લોકોમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. વર્ષ 2012 ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા થ્રિડી સભાઓ મોટા મોટા હોર્ડિંગસો તેમજ સોશ્યલ મીડિયા જેવા માધ્યમોનો ચૂંટણી પ્રચારમાં વધુ પડતો ઉપયોગ કર્યો હતો.
ત્યારે 2012 માં કોંગ્રેસે સોશ્યલ મીડિયા કે સભાઓ પર ઓછો ધ્યાન કેન્દ્રિત કરી બુથ કમિટીઓની રચના કરી ઘરો ઘર અને શેરીએ શેરી પ્રચાર કરવાની રણનીતિ અપનાવી હતી. 2012 ના ચૂંટણી પરિણામમાં કોંગ્રેસના માઈક્રો પ્લાન સામે ભાજપનો સોશ્યલ મીડિયા આક્રમણ ભારે પડ્યો હતો. હાલ 2017 વિધાનસભા ચૂંટણીમાં 2012 ની સરખામણીએ પ્રચારની રણનીતિ બદલાઈ છે. આ વખતે ભાજપે બૂથ વિસ્તારક મહા અભિયાન અંતર્ગત પ્રચાર શરુ કરી માઈક્રો પ્લાનિંગ સાથે ચૂંટણી લાડવાનો ઈશારો આપ્યો છે. ત્યારે ભાજપની સરખામણીમાં કોંગ્રેસ પક્ષ મોટી સભાઓ, રોડશો અને સોશ્યલ મીડિયા કેમ્પેઇનને વધુ મહત્વ આપી રહ્યો છે. જો 2012 ની જેમ સોશ્યલ મીડિયા આક્રમણ મતદારોને આકર્ષવામાં સફળ થશે તો “કોંગ્રેસ આવે છે ” નો સૂત્ર જરૂર સાર્થક થશે. અને ભાજપની રણનીતિ સાથે લોકોની મેન્ટાલીટી પણ બદલાઈ હશે તો ” હું છું વિકાસ, હું છું ગુજરાત” એ વાત હકીકત સાબિત થશે તેવું રાજકીય વિદ્વાનો તારણ આપી રહ્યા છે.