ભુજ વિધાનસભા : ભાજપ-કોંગ્રેસમાં રચાઈ રહ્યા છે નવા સમીકરણો
ભુજ : વિધાનસભા ચૂંટણી જાહેર થયા પછી જેમ ફોર્મ ભરવાની તારીખ નજીક આવી રહી છે તેમ લોકોની ઉત્સુકતા વધી રહી છે કે કયો પક્ષ કોને ટિકિટ આપશે. આ સમગ્ર માહોલ વચ્ચે રાજકીય આલમમાં ચર્ચાઓનો દોર જારી છે. તેના વચ્ચે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ટિકિટ ફાળવણી બાબતે અલગ સમીકરણો રચાઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યો છે. આ ચર્ચા મુજબ બંને પક્ષોમાંથી ભુજ વિધાનસભા પર જે અગ્રણીઓએ દાવેદારી નોંધાવી છે તે તમામ દાવેદારો ના દાવા નિષ્ફળ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ભુજ વિધાનસભા પર બંને પાર્ટીઓ ઉમેદવારી પસંદગી માટે ખુબજ મશક્કત કરી રહી છે. માટે આ પ્રક્રિયા સરળ બને તેના ભાગરૂપે કોઈ નવા વ્યક્તિને ટિકિટ ફાળવણી કરાય તેવા સમીકરણો ઉદભવ્યા છે.
નવા સમીકરણોની ચર્ચા મુજબ ભુજમાં કોંગ્રેસ કોને ઉતારી શકે ?
ભુજ વિધાનસભા બેઠક પર 2012 ની ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચેની ગળાકાપ હરીફાઈના કારણે કોંગ્રેસ પાર્ટીએ તમામ દાવેદારોને એકબાજુ મૂકી જાણીતા ધારાશાસ્ત્રી અમીરઅલી લોઢિયા પર પસંદગી ની મોહર મારી હતી. હાલની ચૂંટણીમાં પણ ભુજ વિધાનસભા પર કોંગ્રેસ પાર્ટીમાં દાવેદારો વચ્ચે ખુબજ હરીફાઈ છે. જેના કારણે પાર્ટીને ઉમેદવાર પસંદ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જો ઉમેદવાર પસંદગીમાં જરાય પણ કચાસ રહી જાય તો પાર્ટીને નુકશાન થાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. માટે પાર્ટી દાવેદારો સિવાયના અનુભવી અગ્રણીને ટિકિટ આપે તેવા સમીકરણો ચર્ચામાં છે. આ વખતે કોંગ્રેસ પાર્ટી ભુજ થી બહારના જૈન સમાજના અગ્રણી પાર્ટીના સિનિયર અને અનુભવી નેતા પર દાવ ખેલશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ભુજ વિધાનસભા જંગમાં ભાજપ કોને મેદાનમાં ઉતારશે ?
ભુજ વિધાનસભા બેઠક પર 2012 ની ચૂંટણીમાં ભાજપે પણ છેલ્લી ઘડી સુધી ચર્ચાતા નામોને પડતા મૂકી ભુજ બહારથી ડો.નીમાબેન આચાર્યને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. આ સીટ ભાજપે કબ્જે કરી હતી પણ ભુજ ના લોકલ ઉમેદવારને ટિકિટ ન મળતા સ્થાનિક કાર્યકરોમાં અંદરો અંદર રોષ જોવા મળ્યો હતો. આ વખતે પણ ભુજ વિધાનસભા પર ભાજપના દાવેદારોની લિસ્ટ લાંબી છે દાવેદારોમાં અંદરો અંદર ખેંચ તાણના છે માટે પાર્ટી આ વખતે સ્થાનિક કાર્યકરો ના રોષનો ભોગ ન બને તેમજ દાવેદારોમાં ગળાકાપ હરીફાઈની બાબતને ધ્યાને લઇ આ વખતે બહારથી નહિ પણ ભુજના લોકલ બ્રહ્મ સમાજના આગેવાન અને જનસંઘ વખતથી સક્રિય અગ્રણીને ટિકિટ આપે તેવી ચર્ચા રાજકીય આલમમાં થઇ રહી છે.