ભુજ વિધાનસભા માટે માત્ર બે વિકલ્પ લેવા પટેલ અથવા નોટા ?
ભુજ : વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ રાજકીય માહોલમાં ગરમાવો વધતો જાય છે. ટિકિટ મેળવવા ઇચ્છુક ઉમેદવારોના દાવપેચનો તબક્કો સમાપ્ત થયો છે. હવે ઉમેદવારની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. આ સમગ્ર માહોલ વચ્ચે કચ્છમાં ભાજપે ભુજ, અંજાર, અને ગાંધીધામ એમ ત્રણ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી છે. જયારે કોંગ્રેસે હજુ સુધી કોઈ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. તે દરમ્યાન લેવા પટેલ સમાજને અન્યાય થયો હોવાનો અવાઝ ઉઠી રહ્યો છે. થોડા સમય થી સોશ્યલ મીડિયામાં મેસેજો ફરતા થયા છે કે લેવા પટેલ સમાજની મોટી વસ્તી ધરાવતી ભુજ વિધાનસભા પર બંને પક્ષ દ્વારા પાછલા ૭૦ વર્ષોથી અન્યાય થતો આવ્યો છે. હાલમાં થોડા સમય અગાઉ સોશ્યલ મીડિયા મારફતે એક પોસ્ટર ફરતો થયો છે.
જેમાં લખ્યું છે કે ભુજ વિધાનસભા માટે માત્ર બે જ વિકલ્પ લેવા પટેલ અથવા NOTA વધારેમાં લખાયું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ આપણા હક્કની લડાઈ માટે માત્ર આપણો જ ઉમેદવાર “લેવા પટેલ”. આ પોસ્ટર દ્વારા લેવા પટેલ સમાજને બંને પક્ષોએ અન્યાય કર્યો છે તેવું બતાડવાની કોશિશ થઇ છે. ત્યારે બંને પક્ષોમાંથી લેવા પટેલ સમાજના ઉમેદવારને કોણ ટિકિટ આપશે તેવી ચર્ચા સમાજના બુદ્ધિજીવીઓ માં થોડા સમયથી થઇ રહી છે. તેના વચ્ચે આજે સાંજે ભાજપ દ્વારા ભુજ વિધાનસભા માટે પોતાના ઉમેદવાર તરીકે ડો. નીમાબેન આચાર્યની સત્તાવાર જાહેરાત કરતા ભાજપ પક્ષમાંથી લેવા પટેલ સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની શક્યતા સમાપ્ત થઇ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર ફરતા થયેલ મેસેજો, પોસ્ટરો તેમજ લેવા પટેલ સમાજના લોકોમાં અંદરો અંદર થતી ચર્ચાને ધ્યાને લેતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભુજ વિધાનસભા પર કોંગ્રેસમાંથી પણ લેવા પટેલ સમાજના આગેવાન અરજણ ભુડીયાએ દાવેદારી કરી છે માટે જો અરજણ ભુડીયા ને કોંગ્રેસ ટિકિટ ન આપે તો લેવા પટેલ સમાજ મતદાનમાં NOTA નો ઉપયોગ કરશે. ત્યારે કોંગ્રેસની યાદીમાં કાલે ભુજ વિધાનસભા પર કયો ઉમેદવાર જાહેર થશે તેના પર સમગ્ર લેવા પટેલ સમાજની મીટ મંડાઈ છે.