બિહારની જેમ ગુજરાત ચૂંટણીમાં પણ DNA પોલિટિક્સ
ભુજ : ગુજરાત ચૂંટણી પ્રચારમાં એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ ચરમ સીમાએ પહોંચ્યા છે. હાર્દિક પટેલની સી.ડી. સાચી છે કે ખોટી તેના પર ચર્ચાઓ થઇ રહી છે. તેના વચ્ચે એક એવો મુદ્દો ઉભરી આવ્યો છે કે જે છેક બિહારથી ગુજરાત આવ્યો છે. આ મુદ્દો રાજકીય આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. બિહાર ચૂંટણી દરમ્યાન નરેન્દ્ર મોદીએ નીતીશ કુમારના DNA પર સવાલ ઉભો કર્યો હતો કે નીતીશ નો DNA બિહારનો નથી. આગળ જતા આ મુદ્દાએ નીતીશ કુમાર માટે સહાનુભૂતિ ઉભી કરી હતી. નીતીશ કુમારે પ્રજામાં એવો સંદેશ આપ્યો કે જુઓ ભાજપ કેટલી નીચલી કક્ષાએ ઉતરી આવી છે હવે મારા DNA પર સવાલ ઉઠાવી રહી છે. આ મુદ્દાના કારણે નીતીશને ચૂંટણીમાં ખુબજ લાભ થયો હતો. આ મુદ્દો ગુજરાતની ચૂંટણીમાં લાભ લેવા વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે તેની ચર્ચાએ રાજકીય આલમમાં જોર પકડ્યો છે.
વાત એમ છે કે આ વખતે ભાજપે નહિ પણ કોંગ્રેસના અબડાસાના MLA શક્તિસિંહ ગોહિલે આ મુદ્દાને હવા આપી છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા સોમવારે નિવેદન આપવામાં આવ્યું કે હાર્દિકમાં સરદાર પટેલનો DNA છે. આ બાબતને લઇ ભાજપ દ્વારા મંગળવારે વિવિધ જિલ્લાઓમાં શક્તિસિંહ ગોહિલના પૂતળાનો દહન કરાયું હતું. અને કહ્યું કે સરદાર પટેલ સાથે હાર્દિકને જોડવો અયોગ્ય છે. ત્યારે શક્તિસિંહે કહ્યું કે મેં કઈ ખોટું નથી કીધું DNA મતલબ સરદારના વંશજ છે અને તે સત્ય છે. આ મુદ્દાને હાર્દિક પટેલ તરફી સહાનુભૂતિ ઉભી કરવા અંદરો અંદર ખુબ પ્રચાર થઇ રહ્યો છે કે જુઓ હવે ભાજપ વાળા હાર્દિકના DNA પાર શંકા કરી રહ્યા છે. આ અંદર ખાને થઇ રહેલ પ્રચારને ધ્યાને લેતા રાજકીય વીદ્વાનો તારણ આપી રહ્યા છે કે જો આ મુદ્દે હાર્દિક પ્રત્યે સહાનુભૂતિ ઉભી થાય અને હાર્દિક સત્તાવાર કોંગ્રેસને ટેકો જાહેર કરશે તો આ મુદ્દો ભાજપ માટે નુક્શન કારક સાબિત થશે. માટે ભાજપ DNA મુદ્દે ઊંડો ના ઉતરે નહીંતર બિહારની જેમ ગુજરાતમાં પણ ભાજપને મોટું નુકશાન થશે તેવું જણાઈ રહ્યું છે.