શિશુ મૃત્યુ દર ઘટાડાની વાતો કરનારને અમદવાદમાં બાળકોના મૃત્યુની ઘટના કેમ નથી દેખાતી : કોંગ્રેસ
ભુજ : આજે કચ્છની મુલાકાતે આવેલ ભાજપના અધ્યક્ષ અમીત શાહે પત્રકાર પરિષદ યોજીને સફેદ કાગળ પર કાળા અક્ષરોથી માત્ર આંકડા બતાવી વિકાસ બતાવ્યો છે. વાસ્તવમાં ભાજપ સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યો છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યુ કે આરોગ્ય, શિક્ષણ, ખેતી, વીજળી, પીવાના પાણી, અનાજ, દૂધ ઉત્પાદન સહિતની વાતો કરીને માત્ર આંકડા આપવાથી પ્રજાનું ભલું થતું નથી. 1990 પહેલા ગૌરવ લઇ શકાય એવું ગુજરાત હતું. ભાજપના રાજમાં દરેક વર્ગ દુઃખી છે. જે હકીકત ભાજપે સ્વીકારવી પડશે. કચ્છમાં આઠ દિવસે એકવાર પાણી મળે છે. નર્મદા યોજનામાં અનેક ભંગાણો પડેલા છે. કેનાલોને આગળ વધારવા નાણાં ફાળવાતા નથી,
શિક્ષણનું ખાનગીકરણ કરી મોંઘુ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી સકતા નથી. ખેત પેદાશોના પૂરતા ભાવ મળતા નથી. સરદાર સરોવરનું નિર્માણ કોંગ્રેસે કર્યું છે ભાજપે વીસ વર્ષમાં એક પણ નવો ડેમ બંધાવ્યો નથી.ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મૃતપાય સ્થિતિમાં છે. યુવાનો બેરોજગાર છે બહેનો અસલામતીમાં જીવે છે. શિશુ મૃત્યુ દર ઘટાડાની વાતો કરનારને અમદવાદ ખાતે અનેક બાળકો મૃત્યુ પામવાની ઘટના કેમ નથી દેખાતી. આરોગ્ય ક્ષેત્રે પણ કચ્છમાં ભાજપ નિષ્ફળ નીવડી છે. તેમજ કોંગ્રેસે ચાલુ કરેલ કચ્છ ડેરી પણ પ્રાઇવેટ કંપનીને આપી દેવાઈ છે. માંડવી સદભાવના મિશન અંતર્ગત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2165 કરોડની જાહેરાત કરી તે રકમ ક્યાં અને કેવી રીતે વપરાઈ તેનો જવાબ કચ્છની પ્રજા માંગી રહી છે. તેવું જિલ્લા કોંગ્રેસની યાદીમાં જણાવાયું હતું.