અલગ કચ્છ રાજ્યની ઝુંબેશ ચલાવનાર પ્રફુલ ગોસ્વામીનું નિધન
ભુજ : કચ્છને અલગ રાજ્ય બનાવવાની ચળવળ ડો. મહિપતરાય મહેતા ના સમયથી શરુ થઇ હતી. આ ચળવળ ઠંડી પડી જતા માંડવી તાલુકાના કાઠડા ગામના વતની પ્રફુલ ગોસ્વામી જે મુંબઈમાં ધંધા અર્થે સ્થાઈ થયેલ તેમને વતન પ્રત્યેની લાગણી ના કારણે તેઓએ કચ્છ આવીને અલગ રાજ્યની ઝુંબેશને વેગવંતી બનાવી. તેઓએ કચ્છમાં વિવિધ માધ્યમો દ્વારા અલગ કચ્છ રાજ્યના વિચારને વેગવંતો બનવ્યો હતો.
પત્રકાર પરિષદો ભરીને આ અલગ રાજ્યના વિચારને વધુને વધુ જન સમર્થન મળે તેવા પ્રયત્નો કર્યા હતા. રણજિત વીલા ખાતે કચ્છ ક્રાંતિની મશાલ પ્રગટાવી દરેક તાલુકામાં મશાલ લઇ જઈ જાગૃતિ લાવવા પ્રયાસો કર્યા હતા. કાઠડા ગામના ગરીબ લોકોને નિયમિત મદદ કરવા તેમણે સ્વખર્ચે ખાસ વ્યવસ્થા ગોઠવી હતી. તેમના મનમાં હંમેશ કચ્છ માટે કંઈક કરી છૂટવાની તમન્ના રહેતી. કચ્છ સાથે દિલથી લાગણી ધરાવતા વ્યક્તિની અણધારી વિદાય થી તમામ કચ્છી માડુઓમાં દુઃખની લાગણી ફેલાઈ છે. આવતીકાલે તેમને શ્રદ્ધાંજલિ આપવા રણજિત વિલા પેલેસ માં એક સભાનું આયોજન કરાયું છે.