કોંગ્રેસ અબડાસા વિધાનસભા લઘુમતીને આપશે ?
ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર અને સભાઓ જોર શોરથી ચાલુ છે. તમામ પક્ષો ચૂંટણી જીતવા પોતાની તાકાત લગાડી રહ્યા છે. ત્યારે કચ્છમાં પણ રાજકીય ચર્ચાએ જોર પકડ્યો છે કે કયો પક્ષ કોને ટિકિટ આપશે. કોંગ્રેસ મુસ્લિમ ઉમેદવારને એક વિધાનસભા સીટ પર ઉતારશે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ કઈ વિધાનસભા સીટ પર મુસ્લિમ ઉમેદવાર ઉતારશે તે બાબતે લોકોમાં અલગ અલગ વાતો ચર્ચાઈ રહી છે. આ સમગ્ર ચર્ચા વચ્ચે આજે અબડાસા મત વિસ્તારના ત્રણેય તાલુકા મધ્યે કોંગ્રેસના કાર્યકરો સાથે મિટિંગો યોજવામાં આવી હતી. આ મિટિંગ માં રાજેસ્થાન સરકારના પૂર્વ મિનિસ્ટર મુસ્લિમ અગ્રણી એવા અમીન ખાન નોડે ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
પાર્ટીના લોકો આ મિટિંગ રૂટિન હોવાનું કહી રહ્યા છે. પણ આ બાબતે રાજકીય સૂત્રો કંઈક અલગ જ ગણિત દર્શાવી રહ્યા છે. રાજકીય સૂત્રો રાજેસ્થાન સરકારના મિનિસ્ટરની અબડાસા વિધાનસભા મુલાકાતને અબડાસામાં કોંગ્રેસ દ્વારા મુસ્લિમ ઉમેદવાર ઉતારવાના ભાગરૂપે જોઈ રહ્યા છે. રાજકીય આલમમાં આજે એવી ચર્ચા શરૂ થઇ ગઈ છે કે અમીન ખાન નોડેની મુલાકાત બાદ કોંગ્રેસ અબડાસા વિધાનસભા પર મુસ્લિમ ઉમેદવાર ઉતારશે તેવું નક્કી થઇ ગયેલ છે જેના ભાગ રૂપે આ મુલાકાત યોજાઈ છે. કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી 10 તારીખ આસપાસ જાહેર કરે તેવી શક્યતા છે ત્યારે યાદી જાહેર થયા પછી અબડાસા બેઠક માટેની આ રાજકીય ચર્ચાને કેટલું સમર્થન મળશે તે જોવાનું રહ્યું.