યોગી આદિત્યનાથના કોંગ્રેસ પર આકરા પ્રહાર : જિલ્લા મથક ભુજની માત્ર ધાર્મિક મુલાકાત પાટીદાર વિસ્તારો પર વધુ ફોકસ
ભુજ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથની કચ્છ મુલાકાત બાદ ધીમે-ધીમે રાજકીય રહસ્યો પરથી પડદો હટી રહ્યો છે. કચ્છમાં વિવિધ સ્થળોએ યોગી આદિત્યનાથે સભાઓ ગજવીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમને રાહુલ ગાંધીને આડે હાથ લેતા જણાવ્યું કે પરિવારવાદે દેશને નુકશાન પહોચાડ્યું છે. જાતિવાદના રાજકારણ પર પણ તેમને આકરા પ્રહાર કર્યા હતા. ભુજમાં સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે મુલાકાત કર્યા બાદ સુખપર, મીરઝાપર,માનકુવા,ગઢશીસા, માંડવી અને નખત્રાણા ખાતે સભાઓ ગજવી હતી. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે રાહુલ જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસનો સફાયો થાય છે. પોતાની વાકછટાથી યોગીએ કચ્છના લોકોને આકર્ષાયા હતા. યોગી આદિત્યનાથના સન્માન માટે ઠેક-ઠેકાણે મંડપ બંધાયા હતા તે સ્થળો સભામાં ફેરવાઈ ગયા હતા.
પોતાના ભાસણમાં યોગીએ વડાપ્રધાનના વિકાસ કર્યોનું વર્ણન કર્યું હતું. કચ્છ ગુજરાત અને ઉત્તરપ્રદેશના સબંધો ઐતિહાસિક હોવાનું તેમણે જણાવ્યું હતું. યોગી આદિત્યનાથની મુલાકાત બાદ તેની અસર કચ્છ-ગુજરાતમાં રાજકારણમાં કેટલી હદે વર્તાઈ શકે છે તેને નફા-નુકશાનની દ્રષ્ટિથી જોવાનું રાજકીય પક્ષોએ શરુ કર્યું છે. યોગીની કચ્છ મુલાકાત એક એવું પણ રાજકીય વિશ્લેસણ સામે આવી રહ્યું છે કે ભાજપે સીએમ યોગી આદિત્યનાથની સભાઓનું આયોજન પાટીદાર વિસ્તારમાં વધુ કર્યું છે. યોગી આદિત્યનાથનું સન્માન સુખપર-મીરજાપરથી લઈને માંડવી-નખત્રાણા સુધી જે વિસ્તારોમાં થયું તે વિસ્તારો પાટીદાર વસ્તીવાળા છે. ભુજમાં સ્વામિનારાયણ મંદિરની મુલાકાત સિવાય રાજકીય કાર્યક્રમ ન યોજાતા તેની નોંધ પણ રાજકીય આલમમાં લેવાઈ રહી છે. ભુજમાં સમય વેડફવાના બદલે પાટીદારોના પ્રભુત્વ વાળા વિસ્તારોમાં યોગી આદિત્યનાથે સભાઓ ગજવી હોવાનો અનુમાન જાણકારો લગાવી રહ્યા છે.