સુઝલોનના પાપે સમંડામાં જીવસૃષ્ટિ-વનસ્પતિ બળીને ખાખ : વન વિભાગના માથાની જુ ન સરકી..!
ભુજ : અબડાસા તાલુકાના સમંડા ગામની સીમમાં સુઝલોન કંપની દ્વારા નાખવામાં આવેલ વીજપોલ અને ટ્રાન્સમીટર ખુલ્લા અને અસ્તવ્યસ્ત હોવાના કારણે તાજેતરમાં શોર્ટ સર્કિટ સર્જાતા સીમાડામાં ભયંકર આગ ફાટી નિકળી હતી જે સમંડા સીમાડામાં મોટાપાયે ફેલાતા ઘાસમાં રહેલી જીવસૃષ્ટિ બાળીને ખાખ થઇ ગઈ છે. તો અભયારણ વિસ્તારમાં હરણ, સસલા, તેતર વગેરે જેવા વન્ય જીવોને ભારે નુકશાન થયું છે. આ વિસ્તાર ઘોરાડ અભયારણમાં આવે છે અને સરકાર દ્વારા ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ વનતંત્રની બેદરકારી અને સુઝલોન કંપનીની માનમાનીના કારણે ઘોરાડ અભયારણ પર મોટો ખતરો ઉભો થયો છે. પશ્ચિમ વન વિભાગના અધિકારીઓની નીતિ જાણે ઘોરાડના નામે માત્ર કરોડોની ગ્રાન્ટ સરકાર પાસેથી મેળવવાની હોય તેમ આ સિમ વિસ્તારમાંથી સુઝલોનના ખુલ્લા વીજપોલ, વાયરો અને ટ્રાન્સમીટરો મુકવા મૂક મંજૂરી અથવા સેટિંગ કરીને છૂટ આપી દેવાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. સમંડાની સીમમાં લાગેલી આગ અભયારણ વિસ્તારમાં હોવા છતાં વન વિભાગના અધિકારીઓના માથામાં જુ પણ સરકી નથી. ભયંકર રીતે પ્રસરેલી આગને કાબુમાં લેવા સ્થાનિક લોકોએ પરસેવો પાડ્યો હતો પરંતુ આગ લાગવાના કારણોની તાપસ કરવાની તસ્દી વન વિભાગે નથી લીધી.
જાણકારો ટકોર કરી રહ્યા છે કે સુઝલોન અને પશ્ચિમ વન વિભાગના અધિકારી વચ્ચે થયેલી આ સેટિંગ ઘોરાડના અસ્તિત્વ માટે મોટો ખતરો પેદા કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના રણમાં વીજ તંત્રના ખુલ્લા વીજ વાયરોએ ફ્લેમિંગોનો ભોગ લેતા ખળભળાટમચી ગયો હતો અને પર્યાવરણ પ્રેમીઓના રોષના પરિણામે રણમાં વીજ લાઈન અંડરગ્રાઉન્ડ કરવાની સરકારને ફરજ પડી હતી સમંડા માં જ્યાં આગ લાગી છે તે વિસ્તાર ઘોરાડ અભયારણમાં આવે છે અને પર્યાવરણની દ્રષ્ટિએ ફ્લેમિંગો કરતા પણ તેનું મહત્વ ખુબ વધુ છે કારણકે ઘોરાડ અતિ દુર્લભ શ્રેણીમાં આવે છે ત્યારે સુઝલોન કંપનીની મનમાની ઘોરાડના અસ્તિત્વ માટે ખતરો બને તે પૂર્વે કંપની સામે પગલાં જરૂરી છે. વનતંત્ર સુઝલોન કંપનીને છાવરી રહ્યું હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર ડો.રમેશ ગરવા અને દતેસ ભાવસારે જણાવ્યું હતું કે વન્યજીવો, વનસ્પતિ તેમજ ઘોરાડ પક્ષીના સંરક્ષણ મુદ્દે સુઝલોન સામે વનતંત્ર પગલાં નહિ લે તો આગામી સમયમાં લોકશાહી ઢબે વિરોધ કરી લોકોને જાગૃત કરાશે અને ન્યાયતંત્રના દ્વાર ખટખટાવી કચ્છની દુર્લભ વન્ય સંપત્તિને બચાવવાના પ્રયાસ કરાશે તેમ જણાવ્યું હતું.