અંજારમાં 600 જેટલા ભાજપ કાર્યકરોને કોંગ્રેસમાં જોડાવી વી.કે.હુંબલનું સ્નેહમિલન સ્વરૂપે શક્તિ પ્રદર્શન,કાલે વાસણ આહિરનું રતનાલમાં સ્નેહમિલન
અંજાર : વિધાનસભા ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે નૂતન વર્ષના યોજાતા સ્નેહ મિલનો પણ રાજકારણથી બાકાત નથી રહ્યા. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં રાજકીય મતભેદો ભૂલીને નાના કાર્યકરો એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હોય છે અને એકબીજાના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા હોય છે પરંતુ કચ્છમાં જામેલા રાજકીય માહોલમાં હાલમાં નૂતન વર્ષ નિમિતે યોજાતા સ્નેહમિલનો રાજકીય પક્ષોની જાહેર સભામાં ફેરવાઈ રહ્યા છે. ત્યારે નાના કાદના કાર્યકરો વિરોધી પક્ષના સ્નેહમિલનોમાં જવાનું ટાળી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ નલિયા ખાતે સ્નેહમિલન યોજ્યું હતું જેમાં તેમને ધારાસભ્ય તરીકે વિદાયમાન અપાયું હતું. બહોળી સંખ્યામાં લોકોની મેદની જોઈ સ્થાનિક નેતાઓએ સ્નેહમિલનના કાર્યક્રમને રાજકીય સભામાં ફેરવી નાખ્યો હતો. નૂતન વર્ષની શુભેચ્છાની સાથે ચૂંટણીલક્ષી તૈયારીઓની વાત તમામ નેતાઓએ કરી હતી. આજે અંજાર વિધાનસભા બેઠક માટે દાવેદાર અને જિલ્લા પંચાયતના વિપક્ષીનેતા વી.કે.હુંબલ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરાયું હતું.
અંજારમાં યોજાયેલા આ સ્નેહમિલનમાં પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, અબડાસા ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ વગેરેએ સંબોધન કર્યું હતું. તેના વચ્ચે 600 ભાજપના કાર્યકરોને કોંગ્રેસનો ખેશ પેરાવી વિપક્ષીનેતાએ પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો. અંજાર વિધાનસભા પાર પોતાનું વર્ચસ્વ જમાવી ચૂકેલા સંસદીય સચિવ વાસણ આહીરે પણ વિપક્ષીનેતાને સમાંતર કાલે સ્નેહમિલનનું આયોજન કર્યું છે. સંસદીય સચિવના રતનાલ ખાતે યોજાનાર સ્નેહમિલનમાં કચ્છ ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કચ્છમાં સંસદીય સચિવ વાસણ આહીરની છાપ જમીની નેતા તરીકે છે. આગામી વિધાનસભા ચટણીમાં અંજાર બેઠક પાર જીત અપાવવી તેમના માટે મોટો પડકાર છે. બીજી તરફ કોંગ્રેસમાંથી ટિકિટના દાવા સાથે જિલ્લા પંચાયતના વિપક્ષીનેતા પણ સક્રિય છે. આજે નૂતન વર્ષના સ્નેહમિલનમાં પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા સહીત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરાયો હતો. તો કાલે સાંજે સંસદીય સચિવ વાસણ આહીરની પણ રાતનાલમાં સભા હોવાથી બંને આહીર નેતાઓ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમને શક્તિ પ્રદર્શન બનાવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.