નખત્રાણા ભાજપ નેતાની કોમર્શિયલ બિલ્ડીંગ તોડી પાડવાનો આદેશ
નખત્રાણા : શહેરમાં રાજકીય રીતે વગદાર અને ભાજપના નેતા ભારત સોનીએ નિયમો વિરુદ્ધ કરેલા બાંધકામને પડકારતી અરજી જિલ્લા પંચાયતમાં સુનવણી હેઠળ આવતા ડીડીઓએ તેમના બાંધકામને મંજૂરી આપતો નખત્રાણા ગ્રામ પંચાયતનો ઠરાવ રદ કરી ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ તોડી પાડવા હુકમ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણાના ભાજપના નેતા ભરતકુમાર બેચરલાલ સોની દ્વારા નખત્રાણામાં કેપિટલ પ્લાઝાના નામથી કોમર્શિયલ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરાયું હતું જેના વિરુદ્ધ ઈશ્વરગિરી વિશ્રામગીરી ગોસ્વામીએ તંત્રમાં અરજી કરી આ કોમ્પ્લેક્ષમાં નિયમો વિરુદ્ધ બાંધકામ થયું હોવાની રજુઆત કરી હતી. અરજદારે ચલાવેલી લાંબી લડતના અંતે ભાજપના વગદાર નેતાનું કોમ્પ્લેક્ષ તોડી પાડવા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કરતા નખત્રાણામાં રાજકીય ગરમાવો વધ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ પાઠવેલી નોટીશમાં જણાવ્યું છે કે ભરત સોનીએ ગ્રામ પંચાયતના ઠરાવનું તેમજ બાંધકામના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. ૧+૧ ના બદલે ૧+૨ નું બાંધકામ કરીં નિયમોનો ભંગ કરતા કોમ્પ્લેક્ષનો એક ભાગ તોડી પાડવા તંત્રએ આદેશ કર્યો છે. સમગ્ર કાર્યવાહીમાં સાધનિક કાગળો,નકશા, પ્લાન તથા ગ્રામ પંચાયતનો ઠરાવ વગેરેની ચકાસણી કર્યાબાદ ડીડીઓએ કરેલા આદેશમાં જણાવ્યું છે કે ૭.૫ મીટરથી વધારે ગેરકાયદે બીજામાળનુ બાંધકામ 60 દિવસમાં દૂર કરવા જણાવ્યું છે. ડીડીઓએ સ્પષ્ટ શબ્દોમાં કોમ્પ્લેક્ષનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ કરતા શરત ભંગ કરતી બિલ્ડર લોબીમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
તંત્રનો એક જ સવાલ તમારો હિત શું?
અત્રે નોંધનીય છે કે સત્તાપક્ષના રાજકીય વગદાર નેતા વિરુદ્ધ અરજી કરનારને તંત્રના અધિકારીઓ વારંવાર પ્રશ્નો કરતા હતા કે અરજી કરવા પાછળ તમારો હિત શું છે? નિયમભંગ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતા લગભગ તમામ અરજદારોને તંત્ર તરફથી આજ સવાલ પૂછીને નિરાશ કરવામાં આવે છે. પરંતુ ભ્રષ્ટાચાર વિરોધીઓ તંત્રને સામો સવાલ કરી રહ્યા છે કે વગદાર નેતાઓનો ગેરકાયદે પ્રવૃત્તિઓ પાછળ અધિકારીઓનું હિત શું ? જોકે, ડીડીઓએ નખત્રાણાના આ કિસ્સામાં દાખલો જરૂર બેસાડ્યો છે.