જીએસટીના પ્રભાવ વચ્ચે દિવાળીના મહાપર્વની ઉજવણી માટે કચ્છીઓ તૈયાર : આજથી ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી સહિતના શહેરોમાં ખરીદી શરૂ
ભુજ : કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી લાગુ કરાયા બાદ જન જીવન પર તેની ભારે અસર પડી રહી છે અને વિક્રમ સવંત 2073ની દિવાળીની ખરીદી ધીમી થશે તેવા અંદાજો જાણે છેદ ઉડી રહ્યો હોય તેમ આજે જીલ્લા મથક ભુજ સહિતના શહેરોમાં ખરીદી માટે લોકોના ધસારાના પગલે ઠેર-ઠેર ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. આજે વાઘબારસથી દિપાવલીના મહાપર્વની ઉત્સાહ પૂર્વક ઊજવણી કરવા માટે કચ્છીઓએ ખરીદીનો પ્રારંભ કર્યો છે. ત્યારે બજારમાં ગુમ થયેલી રોનક પરત ફરી છે. પ્રતિકૂળ સંયોગોમાં પણ ફટાકડાને બાદ કરતા આ વર્ષે ઘરેણા અને વાહનોની ખરીદીમાં લોકોનો ધસારો થાય તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે.
હિન્દુ સંસ્કૃતમાં પર્વાધિરાજ તરિકે ઓળખાતા દિપાવલી પર્વ પૂર્વે સરકારે ચોથા વર્ગના કર્મચારીઓને બોનસ અને નિવૃતોને આર્થીક લાભો આપતા નાણાકીય વ્યવહારોમાં વધારો થયો છે. જીએસટીની અસર આ વર્ષે ફટાકડા બજાર પર વિશેષ જોવા મળી રહી છે. દિવાળી પૂર્વે આગોતરી ઊજવણીના ભાગ રૂપે દર વર્ષ જોવા મળતી ફટાકડાઓની ધુમ આ વર્ષે ખૂબ જ ઓછી જોવા મળે છે. ફટાકડાનું વેચાણ છેલ્લા દિવસમાં એકાએક વધી જવાની શકયતા જાણકારો વ્યકત કરી રહ્યા છે કારણકે લોકો આર્થિક મંદીના માહોલમાં દરેક વસ્તુની ખરીદી સમયસર જ કરીને વિપરીત આર્થિક સંજોગોનો સામનો કરી રહ્યા છે. જોકે આજે શહેરી વિસ્તારોમાં દિવસભર બજારોમાં ચહલ પહલ અને ટ્રાફિકના દ્રશ્યોએ સારી ઘરાકી માટે આશાનો સંચાર કર્યો છે.